Rajkot તા.૧૦
Rajkot જિલ્લાના ગોંડલ તાલુકામાં રહેતી ૧૬ વર્ષની સગીરા પ્રેમ સંબંધના કારણે યુવક સાથે જવાની તથા જીવવુ નથી અને ઘરે પણ રહેવું નથી આવી જિદ પર અડગ રહેતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવાર દ્વારા અનેક વખત સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સગીરા કોઈ વાત માનવા તૈયાર નહોતી. અંતે પરિવારજનોએ મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો.
માહિતી મળતા જ ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર મિતલ ખરા અને પાયલોટ વિશાલભાઈતાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિવારજનો પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સગીરાની છેલ્લા પાંચ વર્ષથી એક યુવક સાથે ઓળખાણ હતી. તે પોતાની માતાના ફોન દ્વારા યુટ્યુબ લાઈવ ચેટ અને ટેલિફોનિક વાતચીત કરતી હતી.
પરિવારને આ બાબતની જાણ થતાં તેમણે દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સગીરા કોઈ પ્રતિસાદ આપતી નહોતી. આ દરમિયાન પિતા દ્વારા ગુસ્સામાં દીકરી પર હાથ ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે સગીરા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. લગભગ એક કલાક બાદ તે ઘરે પરત ફરી હતી. આ સમય દરમિયાન તેણે પોતાના મિત્ર સાથે વાત કરી લગ્ન કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
ઘરે પરત આવ્યા બાદ સગીરાએ પરિવારજનોને જણાવ્યું કે તેને હવે જીવવું નથી, ઘરે રહેવાં માંગતી નથી અને તે પોતાના બોયફ્રેન્ડ સાથે જવા માંગે છે. પરિવારજનો દ્વારા ઘણી સમજાવટ છતાં તે પોતાના નિર્ણય પર અડગ રહેતાં અંતે ૧૮૧ અભયમ ટીમની મદદ લેવામાં આવી.
૧૮૧ અભયમ ટીમે સગીરા સાથે સંવેદનશીલ રીતે વાતચીત કરી અસરકારક કાઉન્સેલિંગ કર્યું. ટીમ દ્વારા તેને સમજાવવામાં આવ્યું કે હાલ તેની ઉંમર લગ્ન માટે કાયદેસર યોગ્ય નથી અને બાળલગ્ન કાયદા મુજબ ગુનો છે. સાથે જ તેના ભવિષ્ય, શિક્ષણ અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાઉન્સેલિંગ દરમિયાન સગીરાને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ ભવિષ્યમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવા અને પરિવારના માર્ગદર્શન હેઠળ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી.
અંતે સગીરાએ પોતાની ભૂલ સ્વીકારી હવે પછી કોઈ ના સંપર્ક માં નહિ આવવા ,અભ્યાસ ચાલુ રાખવાની, ઘરે જાણ કર્યા વગર બહાર ન જવાની, આત્મહાનિ જેવા વિચારો ન કરવાની તથા પુખ્ત વય પ્રાપ્ત થયા બાદ જ લગ્ન અંગે નિર્ણય લેવાની ખાતરી પોતાના માતા-પિતાને આપી હતી. ૧૮૧ અભયમ ટીમના સમયસર અને અસરકારક કાઉન્સેલિંગથી પરિવારને મોટી રાહત મળી હતી.૧૮૧ અભયમ ટીમની કામગીરીએ એક સગીરાનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

