હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રાયલ રન શરૂ, નાગરિકોને મળશે આરામદાયક મુસાફરીની સુવિધા
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦ઃ
Jamnagar શહેરના જાહેર પરિવહન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા જામનગર મહાનગરપાલિકા અને જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન દ્વારા પી.એમ. ઈ-બસ સેવાનો પ્રારંભ કરવામાં આવનાર છે. નવી આધુનિક ઈલેક્ટ્રિક સીટી બસ સેવા શરૂ થાય તે પહેલાં હાલ શહેરના વિવિધ રૂટ પર ટ્રાયલ રન હાથ ધરવામાં આવી રહ્યો છે.મંગળવારે હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન વચ્ચે ઈલેક્ટ્રિક બસનો ટેસ્ટ રન કરવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન બસના રૂટ, સમયપત્રક, બસ સ્ટોપ, ટ્રાફિકની સ્થિતિ તેમજ મુસાફરોને મળનારી સુવિધાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. સાથે જ સમગ્ર બસ નેટવર્કનું અસરકારક સંચાલન થઈ શકે તે માટે જરૂરી પરીક્ષણ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
Jamnagar મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ નવી ઈલેક્ટ્રિક બસ સેવા શહેરના જાહેર પરિવહનને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવશે. ઈલેક્ટ્રિક બસો શરૂ થતાં નાગરિકોને સુરક્ષિત, આરામદાયક અને સસ્તી મુસાફરીનો વિકલ્પ મળશે. ઉપરાંત ડીઝલ આધારિત વાહનોની સરખામણીએ ઈલેક્ટ્રિક બસો પર્યાવરણને અનુકૂળ હોવાથી વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ટ્રાયલ રન દરમિયાન સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરના સર્વાંગી વિકાસ માટે જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ઈ-બસ સેવા તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.ટૂંક સમયમાં નવી ઈલેક્ટ્રિક સીટી બસ સેવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવશે, જેના કારણે શહેરના હજારો મુસાફરોને સીધો લાભ મળશે.

