Bengaluruતા.16
કર્ણાટક હાઈકોર્ટે માસિક ધર્મ અવકાશ (પીરિયડ લીવ)ને લઈને ચાલી રહેલી દેશવ્યાપી ચર્ચા વચ્ચે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે પીરિયડ લીવ મહિલાઓનો અધિકાર છે અને તેને કોઈ વિશેષાધિકાર (પ્રિવિલેજ) તરીકે જોવું જોઈએ નહીં.
આ સાથે અદાલતે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે કે ડિસેમ્બર 2025માં જાહેર કરવામાં આવેલી પીરિયડ લીવ પોલિસીને રાજ્યના તમામ ક્ષેત્રોમાં – સંગઠિત તેમજ અસંગઠિત – યોગ્ય રીતે લાગુ કરવામાં આવે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ નીતિ માત્ર કાગળો પર સુધી મર્યાદિત ન રહે, પરંતુ તેનો વ્યવહારિક અમલ થાય.
કોર્ટની મુખ્ય ટિપ્પણીઓ
કાયદામાં પુરુષ અને મહિલા બરાબર હોઈ શકે, પરંતુ જૈવિક રીતે (બાયોલોજિકલી) બંને અલગ છે.
મહિલાઓની વિશેષ જરૂરિયાતોને સમજવી અને તેમના માટે અલગ પ્રાવધાન કરવું એ સમાનતા (બરાબરી) વિરુદ્ધ નથી, પરંતુ તેને વધુ મજબૂત બનાવે છે. પીરિયડ લીવ મહિલાઓના સન્માન (ડિગ્નિટી), આરોગ્ય અને સમાનતાના અધિકાર સાથે જોડાયેલી છે. તેથી તેને અમલમાં મૂકવું એ કોઈ ખાસ મહેરબાની નથી, પરંતુ એક જરૂરી અધિકાર છે.
કેસની પૃષ્ઠભૂમિઃ
આ મામલો એક મહિલા કર્મચારીની અરજી પર સુનાવણી દરમિયાન સામે આવ્યો હતો. તે એક હોટલમાં કામ કરે છે અને તેને કામ દરમિયાન ભારે શારીરિક મહેનત કરવી પડે છે. અરજીમાં તેણે જણાવ્યું હતું કે સરકારે જાહેર કરેલી માસિક ધર્મ અવકાશની નીતિ જમીની સ્તરે અમલમાં નથી આવી રહી, ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ માટે.
સરકારની દલીલ અને કોર્ટનો જવાબઃ
સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે અસંગઠિત ક્ષેત્ર ખૂબ વિશાળ અને વિવિધ પ્રકારનું છે, તેથી ત્યાં આ નીતિ અમલમાં મૂકવામાં વ્યવહારિક મુશ્કેલીઓ છે. હાઈકોર્ટે આ દલીલને નકારી કાઢી અને કહ્યું કે સરકારની જવાબદારી છે કે તે આવી નીતિઓનો લાભ દરેક મહિલા સુધી પહોંચાડે, ખાસ કરીને જેઓ સૌથી વધુ જરૂરિયાતમંદ છે.
સમાનતાનો અસલ અર્થઃ
અદાલતે કહ્યું કે ભારતીય સંવિધાનના અનુચ્છેદ 14 (સમાનતાનો અધિકાર) આવી નીતિઓના માર્ગમાં અવરોધ ન બનવો જોઈએ. મહિલાઓને તેમની જરૂરિયાત અનુસાર સુવિધા આપવી એ સમાનતાના સિદ્ધાંત વિરુદ્ધ નથી.
કોર્ટે વધુમાં કહ્યુંઃ
રાજ્ય સરકારે સંવિધાનના અનુચ્છેદ 14ની સપાટ (સતહી) વ્યાખ્યા પર આધારિત ખોટી આશંકાઓથી વિચલિત ન થવું જોઈએ અને પોતાને મર્યાદિત ન કરવું જોઈએ.

