Rajkot તા.18
વેકેશન અને લગ્નગાળાનો સમય હવે ખુબજ નજીક આવી ગયો છે. ત્યારે એસટી નિગમ પણ આ સીઝનનો ભરપૂર લાભ લેવા માટે સજજ બની ગયું છે. અને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વેકેશન અને લગ્નગાળા અનુસંધાને રાજયવ્યાપી એકસ્ટ્રા બસો રાજયનાં અને આંતરરાજય રૂટો ઉપર દોડાવવાનું આગોતરૂ આયોજન કરી લીધુ છે. ખાસ કરીને રાજયનાં ફરવાનાં અને ધર્મસ્થાનો માટે સોથી વધુ એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે.
નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ તા.19ને રવિવારે પણ અખાત્રીજનાં દિવસે વ્યાપક લગ્નગાળો છે ત્યારે રવિવારે પણ રાજકોટ સહિત રાજયનાં 16 ડીવીઝનોમાંથી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
વેકેશન અને લગ્નગાળાનાં તા.1 મેથી શરૂ થનારા એકસ્ટ્રા સંચાલન અંગે એસ.ટી. નિગમની વડી કચેરીનાં જણાવ્યા મુજબ ઉનાળુ વેકેશન દરમિયાન નિગમ દ્વારા સમગ્ર રાજયના વિવિધ ડેપો ખાતેથી મુસાફર ટ્રાફિક પ્રમાણ ધ્યાને લઈ એકસ્ટ્રા સંચાલન કરવામાં આવે છે.
જેમાં મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગોધરા જેવા વિભાગો ખાતેથી સોમનાથ દ્વારકા, પાવાગઢ, અંબાજી વગેરે જેવા ધાર્મિક સ્થળો પ્રવાસન સ્થળોએ જવા આવવા માટે એકસ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવશે.
વર્ષ 2025ના ઉનાળુ વેકેશન દરમિયાન 27650 જેટલી ટ્રીપો સંચાલીત કરી 12 લાખથી વધુ મુસાફરોને પરિવહન સેવાનો લાભ આપવામાં આવેલ. ચાલુ વર્ષના ઉનાળુ વેકેશન 2026 દરમિયાન પણ રાજયના વિવિધ ધાર્મિક સ્થળો જેવા કે પાવાગઢ, અંબાજી, સોમનાથ, દ્વારકા ખાતે અંદાજીત કુલ 10,000થી વધુ ટ્રીપો સંચાલીત કરવાનું આગોતરૂ આયોજન કરેલ છે. વધુમાં નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ વેકેશન- લગ્નગાળા દરમ્યાન એસટીની અંદાજે એક હજાર જેટલી વધારાની બસો વિવિધ રૂટો ઉપર દોડાવવામાં આવશે.
જયારે આવતા રવિવારે અખાત્રીજના દિવસે 600થી 700 જેટલી વધારાની બસો રાજયભરમાંથી દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત રાજકોટ એસટી
વિભાગના અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ તા.19ને રવિવારે વિભાગ દ્વારા લગ્નગાળા અનુસંધાને 50થી 60 જેટલી એકસ્ટ્રા બસો દોડાવાશે તેમજ
લગ્નગાળો અને વેકેશન અનુસંધાને રાજકોટ વિભાગ 100થી વધુ વધારાની બસો દોડાવશે.

