Mumbai,તા.18
16 એપ્રિલનાં રોજ વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામેની હાર દરમિયાન એક વાયરલ વીડિયોમાં જસપ્રીત બુમરાહ હાર્દિક પંડ્યાના નિર્ણયથી નારાજ દેખાઈ રહ્યા છે, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં બધુ બરાબર ન હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
શું પંજાબ કિંગ્સ સામેની હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સમાં વિવાદ ચાલી રહ્યો છે? સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ કેપ્ટન હાર્દિક પંડ્યાના નિર્ણયથી ખુશ નથી.
મુંબઈ ઈન્ડિયન્સને વર્તમાન IPL 2026 માં સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબની ટીમે 196 રનનો ટાર્ગેટ માત્ર 16.3 ઓવરમાં જ 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
આ હાર બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં બુમરાહ હાર્દિકથી નારાજ દેખાય છે. મેચની એક મહત્વની ક્ષણે હાર્દિક પંડ્યાએ પોતાની રીતે ફિલ્ડિંગ ગોઠવી હતી, જે બુમરાહને પસંદ ન આવી.
જોકે, પછીથી બુમરાહ કેપ્ટનની વાત માની ગયા હતા, પણ તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. તે જ વીડિયોમાં હાર્દિક પંડ્યા પણ ખેલાડીઓ પર ગુસ્સો કરતા અને ફિલ્ડરોને કંઈક સમજાવતા જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ ટીમની મહેનતથી સંતુષ્ટ નહોતા.
હાર બાદ હાર્દિક પંડ્યાએ ટીમની ટીકા કરી
પંજાબ સામેની હાર બાદ હાર્દિક પંડ્યાએ ટીમની રમત પર નિશાન સાધતા કહ્યું કે, ટીમનું આવું પ્રદર્શન જોઈને તેઓ પોતે પણ મૂંઝવણમાં છે. તેમણે કહ્યું કે હવે મોટા અને કડક નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે.
પોસ્ટ-મેચ ઈન્ટરવ્યુમાં હાર્દિકે કહ્યું, “સાચું કહું તો મારી પાસે અત્યારે કંઈ કહેવા માટે નથી. અમારે ફરીથી વિચારવું પડશે કે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ. શું ભૂલ વ્યક્તિગત છે, ટીમ તરીકે છે કે પ્લાનિંગમાં છે? અમે જલ્દી જ સાથે બેસીને આનો ઉકેલ શોધીશું.”
તેણે આગળ કહ્યું, “અમારે એ જોવું પડશે કે આપણે આ જ ટીમ સાથે આગળ વધવું છે કે પછી કોઈ મોટા ફેરફારો કરવાની જરૂર છે. કેટલાક કઠિન સવાલો છે જેના જવાબ અમારે શોધવા પડશે અને દરેકે પોતાની જવાબદારી લેવી પડશે.”
મેચમાં ક્વિન્ટન ડી કોકે સદી ફટકારી હતી અને નમન ધીરે અડધી સદી ફટકારી હતી, પરંતુ બાકીના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. બુમરાહ ફરી એકવાર વિકેટ વગર રહ્યા અને 4 ઓવરમાં 41 રન આપ્યા.
હાર્દિક પોતે પણ બેટિંગમાં માત્ર 14 રન બનાવી શક્યા અને બોલિંગમાં 3 ઓવરમાં 39 રન આપ્યા હતા. હવે મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ સોમવાર, 20 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે છે, જે ટીમ માટે જીતવી ખૂબ જ જરૂરી છે.

