Rajkot, તા.20
રાજકોટ જિલ્લામાં આવતા કાગવડ પાસે વોટર પાર્કમાં બેભાન થઈ સ્વિમિંગ પુલમાં પડેલા 33 વર્ષીય અજય રાઠોડનું મોત નીપજ્યું હતું. ગોંડલ તાલુકાના નવાગામ ખાતે રહેતા અજયભાઈ પોતાના 8 વર્ષીય પુત્રના બર્થ ડે પર પરિવાર સાથે હેવન વોટર પાર્ક ગયા હતા. હૈયુ કંપાવે તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
પરિવારજનો પાસે જ હતા, પણ ડૂબતાં અજયભાઈને જોઈ બધાને એમ કે ન્હાવા પડ્યા છે. બાદ લાંબા સમય પછી પણ પાણીની બહાર ન નીકળતા અજયભાઈ ડૂબી ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. બનાવથી પરિવારમાં ભારે કલ્પાંત છવાયો હતો.
અજય ભાઈના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવની વિગત મુજબ, અજયભાઈ ભાણજીભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 33, રહે. નવાગામ(લીલાખા) તા.ગોંડલ) ગઈકાલે કાગવડ પાસે આવેલ હેવન વોટરપાર્કમાં હતા ત્યારે અચાનક બેભાન થઈ સ્વિમિંગ પુલમાં પડી ગયા હતા અને ડૂબી ગયા હતા. તેમના પરિવારજનોનું ધ્યાન પડતા સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી અજયભાઈને તત્કાલ ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાગળો કરી મૃતદેહ પીએમ. માટે ખસેડ્યો હતો.
અજયભાઇના પિતા નિવૃત્તિ આર્મીમેન ભાણજીભાઈએ જણાવ્યું કે, મારે સંતાનમાં બે દીકરા છે. જેમાં અજયભાઇ મોટા હતા. સેલ્સ માર્કેટિંગનું કામ કરતા હતા. અજયભાઇને સંતાનમાં 1 દીકરો વિહાન (ઉંમર વર્ષ 8) છે. વિહાનનો ગઈકાલે જન્મદિવસ હતો. એટલે નવાગામથી અજયભાઇ, તેમના પત્ની પારુલબેન અને વિહાન હેવન વોટર પાર્ક આવ્યા હતા. અમે રાજકોટ ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ રહેતા હોય, હું મારો નાનો દીકરો એમ કુલ 8 જણા પણ વોટરપાર્ક પહોંચ્યા હતા.
અજયભાઇ સ્વિમિંગ પુલમાં ન્હાતા હતા. પછી બહાર નીકળ્યા હતા. સ્વિમિંગની પુલની પાળીએ બેઠા હતા. આસપાસ અમે પરિવારજનો હતા. પુત્ર વિહાન પણ અજયભાઇની પાસે જ હતો. દરમ્યાન અજયભાઇ ઉભા થયા અને બે ડગલાં ચાલ્યા ત્યાં બેભાન થઈ સ્વિમિંગ પુલમાં પડી ગયા. ત્યાં હાજર બધાને એમ કે, અજયભાઇએ ન્હાવા માટે ધુબાકો માર્યો હશે. જોકે ઘણી વાર પછી ધ્યાન પડ્યું કે ડૂબી ગયા છે.
બહાર કાઢી સીપીઆર આપયું હતું પણ હોંશ આવ્યો નહોતો. હોસ્પિટલ લઈ જતા મૃત જાહેર કરાયા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. હાલના તબક્કે પ્રાથમિક રીતે એમ જણાય છે કે હાર્ટ એટેક આવ્યો હોય અને પાણીમાં પડી ગયા હોય શકે છે. પણ મૃત્યુનું સ્પષ્ટ પીએમ થયા બાદ સામે આવશે.

