Porbandar, તા.20
પોરબંદરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાની એક ઘટના બની હતી જે મામલા અંગે કોર્ટમાં કેસ ચાલી જતા આ દુષ્કર્મ આચરનાર શખ્સ ને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
પોરબંદર ના ખાપટ વિસ્તાર માં રહેતા ભરત માલદે કેશવાલા નામના શખ્સે ગત તા 25-3-24 ના રોજ એક સગીરા અગાસી પર સુતી હતી ત્યારે તેની સાથે બળજબરીથી શારીરિક સબંધ બાંધ્યો હતો ત્યાર બાદ સગીરા ને લલચાવી-ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ ગયો હતો ને ચોપાટી તોરણ હોટલથી થોડે આગળ આવેલ ઝુરી વાળા રસ્તા પાસે આવેલ બંધ પડતર મકાનમાં લઇ જઇ ભોગ બનનાર સાથે તેણીની ઇચ્છા વિરુધ્ધ બળજબરીપુર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.
ત્યાર બાદ ઇન્દીરાનગર વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં, ત્યાર બાદ ઓડદર ખાતે આવેલ આ શખ્સના જુના મકાન ખાતે પણ તેના દ્રારા સગીરા સાથે બળજબરીપુર્વક શારીરિક સંબંધ બંધાયો હતો આથી આ અંગે સગીરા ના વાલી એ ઉધોગનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી.
જે કેસ કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દવારા 13 સાહેદો તપાસવામાં આવ્યા હતા તથા 31 દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખવામા આવ્યા હતા તેમજ સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી જેથી એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ પી.એચ.શર્મા દ્વારા ભરતને ગુનામાં તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ. 35,000 નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.

