Dhoraji . તા.20
હાલ ધોરાજીના મોટી વાવડી ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવકની 15 વર્ષની સગીરાને તેના જ ગામનો શખ્સ ભગાડી ગયો તેમજ જેતપુરના રેશમડી ગામે રહેતા 17 વર્ષની સગીરા ભેદી રીતે ગુમ થતા પોલીસે અપહરણના ગુનો હેઠળ તપાસનો ધમધમાટ આદર્યો હતો.
બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર અને હાલ ધોરાજીના મોટી વાવડી ગામ ખેતી કામ કરી રહેતા યુવકે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના જ ગામમાં રહેતો શખસ રેવન ભુરીયાનું નામ આપી જણાવ્યું હતું કે, ગત તા.12 ના રાત્રિના દસ વાગ્યા આસપાસ પોતાની 15 વર્ષની દીકરી કોઈ કામ માટે બહાર ગયો હોય થોડા સમય બાદ ઘરે પરત ન આવતા તપાસ કરી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે તેના જ ગામનો રેવન ભુરીયા દીકરીને પોતાની સાથે લઈ ગયો છે. દીકરીને રેવન ભૂરીયા ક્યાં લઈ ગયો છે તે અંગે તપાસ કરતા આજ દિવસ સુધી કોઈ સમાચાર ન મળતા આખરે ચિંતાતુર પિતાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં શખસ રેવન ભૂરીયા સામે પોતાની દીકરીને લાલચાવી કે ફસલાવીને પોતાની સાથે લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
બીજા અપહરણની પ્રાપ્ત વિગત મુજબ, જેતપુરના ગાલોલ ગામે રહેતા આધેડે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, કોઈ કારણોસર પોતાની 17 વર્ષની દીકરી ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી. આસપાસના વિસ્તાર અને સગા સંબંધીના ઘરે તપાસ કરતા આજ દિવસ સુધી કોઈ ભાળ ન મળતા આખરે ચિંતાતુર પિતાએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

