Porbandar, તા.22
પોરબંદરમાં બિલ્ડીંગ મટીરીયલ્સના વેપારી સહિત બે યુવાનો પર હુમલો થતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે જેમાં ચાર શખ્સો એ મળી બે યુવાનો ને માર માર્યો હતો ત્યારે પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ચારેય શખ્સોને ઝડપી લીધા હતા અને બનાવ નું રી કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર પાછળ રાધેશ્યામ પાર્કમાં રહેતા અને આશાપુરા ચોક પાસે બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતા પ્રતાપ રાજસી મોઢવાડીયા નામના યુવાને ઉદ્યોગનગર પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તા. 17-4ના રાત્રે 10 વાગ્યે તે અને તેનો મિત્ર નયન કેશવાલા અને પ્રકાશ ગોઢાણીયા છાયા ચોકી પાસે જમવા ગયા હતા. અને જમીને રાત્રે સવાબાર વાગ્યે શિવમ ટ્રેડર્સ નામની પ્રતાપ ની દુકાને ગયા હતા.
ત્યાં રહેલી તેની બેગ લઇને તેઓ પ્રકાશ ગોઢાણીયાની ફોરવ્હીલમાં બેઠા હતા. તે દરમ્યાન ઉદ્યોગનગરના આશાપુરા ચોકમાંથી છાયા મારુતીનગરમાં રહેતો મયુર ઉર્ફે મયલો હરદાસ ઓડેદરા, ઘાસ ગોડાઉન પાછળ રહેતો વિશાલ ઉર્ફે વાકી નાગાજણ ગોરાણીયા, રોકડીયા હનુમાન મંદિર પાછળ રહેલો માલદે ઉર્ફે જગીરો રામ કુછડીયા, આદિત્યાણાનો કિશોર સાજણ ગુરુગુટીયા અને પોરબંદરનો કાંધલ ઓડેદરા ત્યાં આવ્યા હતા.
અને પ્રતાપ અને તેના મિત્રો સાથે બોલાચાલી કરી હતી અને પોતે અહીના ડોન હોય તેમ આ એરિયો તેમનો હોવાનું જણાવી તેમની રજા સિવાય કાઈ કરવાનું નહી તેવી ચીમકી આપી હતી અને બાદમાં પાંચેય શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને પ્રતાપ ને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આથી તેનો મિત્ર નયન કેશવાલા વચ્ચે પડતા તેને પણ ધકકા મારીને દૂર કરી દીધો હતો. ત્યારબાદ ધમકી આપી હતી ત્યારે ઉદ્યોગનગર પોલીસમથક ખાતે આવીને પાંચેય ઇસમો સામે પ્રતાપે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં કારણ એવુ દર્શાવ્યુ છે કે પ્રતાપ ને પૂર્વ સુધરાઇ સભ્ય ભરત મૈયારીયા સાથે સારા સબંધ છે અને બંને જણા ઘણા પ્રસંગોમાં સાથે હોવાથી તેનું મનદુ:ખ રાખીને માર મારવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધાયા બાદ સાજણ સિવાય અન્ય 4 શખ્સો ને ઝડપી લઇ બનાવ ના સ્થળે લઇ જઈ રી ક્ધસ્ટ્રકશન કરાવ્યું છે.
પૂર્વ સુધરાઇ સભ્યને અને તેની પુત્રીને પણ ધમકી
પોરબંદરમાં જે પાંચ શખ્શોએ દાદાગીરી કરી બે યુવાનો ને માર માર્યો હતો તે પૈકી એક ઇસમે પૂર્વ સુધરાઈ સભ્યને ફોન કરીને ધમકી આપતા તેની સામે વધુ એક પોલીસ ફરિયાદ દાખલ થઇ છે જેમાં પોરબંદરના મીલપરા શેરી નં. 1માં રહેતા પૂર્વ સુધરાઇ સભ્ય ભરતભાઈ મૈયારીયા, દ્વારા કમલાબાગ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

