London, તા.22
બ્રિટને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલું ઉઠાવતા દુનિયાના સૌથી કડક ધુમ્રપાન વિરોધી કાયદાને લાગુ પાડવાની દિશામાં પગલુ લીધુ છે. બ્રિટીશ સંસદે તમાકુ અને વેપ્સ વિધેયકને મંજુરી આપી દીધી છે જેનો ઉદેશ આવનારી પેઢીને ધ્રુમ્રપાનની આદતથી પૂરી રીતે બચાવવાનો છે.
સરળ શબ્દોમાં કહીએ તો વર્ષ 2009 કે ત્યારબાદ જન્મેલ કોઈપણ વ્યકિત માટે તમાકુની ખરીદી પર આજીવન પ્રતિબંધ રહેશે. સરકાર વર્ષ 2027થી તમાકુ ખરીદવાની ન્યુનતમ વયમાં દર વર્ષે એક વર્ષનો વધારો કરશે. જેથી આ પ્રતિબંધ કાયમી રીતે અસરમાં આવી જાય. આ કાયદો ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉતરી આયર્લેન્ડ સહિત પૂરા બ્રિટનમાં સમાન રીતે લાગુ પડશે.
કિંગ ચાર્લ્સ તૃતીયની મંજૂરી મળવી બાકી
આ વિધેયકને કાયદો બનાવવા માટે માત્ર રાજા ચાર્લ્સ તૃતીયની ઔપચારિક સ્વીકૃતિ મળવાની બાકી છે. આ નવા કાયદાની સૌથી મુખ્ય વિશેષતા તમાકુના વેચાણ પર લગાવવામાં આવેલ ક્રમિક અને કાયમી પ્રતિબંધ છે.
નિયમો મુજબ જે વ્યકિત 1 જાન્યુઆરી 2027 સુધીમાં 18 વર્ષ પૂરા નહીં કરે તે પોતાના પૂરા જીવન કાળમાં કયારેય કાયદેસર સિગરેટ કે તમાકુ ઉત્પાદન નહી ખરીદી શકે.

