New Delhi, તા. 18
શેરબજારના નિયમનકાર સેબીએ અનલિસ્ટેડ કંપનીઓનાં શેરોની ખરીદ-વેચાણને લઈને રોકાણકારોને એલર્ટ કર્યા છે. સેબીએ રોકાણકારોને જણાવ્યું છે કે જે કંપનીઓ પબ્લિક લિમિટેડ તરીકે લિસ્ટેડ નથી, તેમનાં શેર ગેરકાયદેસર ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ અને વેબસાઇટ્સ દ્વારા ન તો ખરીદવા જોઈએ અને ન તો વેચવા જોઈએ. સેબીએ ચેતવણી આપી છે કે આવા પ્લેટફોર્મ પર રોકાણ કરવું ભારે જોખમી હોઈ શકે છે.
અહીં કોઈ પણ પ્રકારની છેતરપિંડી થવા પર સેબી તરફથી કોઈ કાનૂની સુરક્ષા કે મદદ મળી શકશે નહીં, કારણ કે સેબીનું આ પ્લેટફોર્મ્સ પર કોઈ નિયંત્રણ નથી. નિયમનકારે વધુમાં જણાવ્યું કે તેની જાણકારીમાં એવા કેટલાય ઓનલાઈન પ્લેટફોર્મ આવ્યાં છે જે અનલિસ્ટેડ કંપનીઓનાં શેરોની લેવડ-દેવડની સુવિધા આપી રહ્યાં છે. આનાથી રોકાણકારો માટે ભારે જોખમ ઊભું થઈ રહ્યું છે.
BSE નું માર્કેટ કેપ 5 ટ્રિલિયન ડોલરને પાર :-
શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બુધવારે પણ વધારા સાથે બંધ થયાં હતાં. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના સમાચાર બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલો ઘટાડાથી બજારને સપોર્ટ મળ્યો હતો. સેન્સેક્સ 347.14 પોઈન્ટની મજબૂતી સાથે 77,155.62ના સ્તરે બંધ થયો હતો.
જ્યારે નિફ્ટી 96.55 પોઈન્ટ વધીને 24,085.70 પર બંધ રહ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ 3,323.07 પોઈન્ટ અને નિફ્ટી 924.1 પોઈન્ટની મોટી છલાંગ લગાવી ચૂક્યાં છે. BSE માં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યુ બુધવારે ફરી એકવાર 5 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગઈ છે. માત્ર ચાર દિવસની અંદર જ રોકાણકારોની સંપત્તિમાં 22.78 લાખ કરોડ રૂપિયાનો તોતિંગ વધારો થયો છે.
સોનું અને ચાંદી સસ્તાં થયાં
ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યાં અનુસાર, દિલ્હીમાં બુધવારે 99.9 ટકા શુદ્ધતાવાળું સોનું 4,800 રૂપિયા ઘટીને 1,54,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. ચાંદીનાં ભાવમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને તે 5,300 રૂપિયા તૂટીને 2,55,400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે.

