Himachal તા.18
આજે અહીં ચંબા-મસરુંડ માર્ગ પર એક બોલેરો વાહન અનિયંત્રીત થઈ 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકતા બોલેરોમાં સવાર બધા સાત લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નિપજયા હતા.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બોલેરોમાં ગ્રામ મહલ પંચાયતના સપરાઠે ગામના 6 લોકો, જેમાં 3 મહિલા અને ત્રણ પુરુષ સામેલ હતા. આ બધા લોકો કાકડોથા ગામમાં આયોજીત એક મુંડન સંસ્કારમાં સામેલ થઈને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન છતરુંડ પાસે અનિયંત્રીત બની વાહન માર્ગ પરથી નીચે 500 ફુટ ઉંડી ખાઈમાં ખાબકયું હતું.
અકસ્માતની જાણ થતા પોલીસ અને સ્થાનિક પ્રશાસન અને ગ્રામીણો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તરત રાહત અને બચાવ અભિયાન હાથ ધર્યું હતું. ખાઈમાંથી ડ્રાઈવર સહિત સાત વ્યક્તિઓના શબ બહાર કાઢયા હતા. આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા.
પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ દર્દનાક અકસ્માતથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. બીજી બાજુ ચંબાના પહાડી જિલ્લામાં આવા અનેક અકસ્માતોના કારણે સુરક્ષાના સવાલો ઉભા થયા છે. પ્રશાસને આવા અકસ્માતો રોકવા કડક પગલાં ઉઠાવવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

