Rajkot. તા.23
મોરબી રોડ પર મારવાડી કોલેજ પાસે ગૌરીદડ ગામની સીમમાં વાડીએ ચાલતા જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચની ટીમને દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી જુગાર રમતા વાડી માલિક સહિત સાત શખસોને ઝડપી લીધા હતા. પટમાંથી રોકડ રૂપિયા 73,300 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર. ગોંડલીયાની રાહબરી હેઠળ એએસઆઈ અનિલભાઈ સોનારા, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ સોલંકી, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી બાતમી મળી હતી કે, મોરબી રોડ પર મારવાડી કોલેજથી આગળ આઇઓસી પેટ્રોલ પંપ અંદર જતા રોડ પર ગૌરીદડની સીમમાં આવેલી ચંદુભાઈ અજાણીની વાડીમાં વાડી માલિક અહીં માણસો બોલાવી જુગાર રમાડી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસની ટીમે ગૌરીદડ ગામની સીમમાં આવેલી આ વાડીએ દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા.
જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં વાડી માલિક ચંદુલાલ બચુ અજાણી (ઉ.વ. 48 રહે. ખોડલ પાર્ક શેરી નંબર ત્રણ, મોરબી રોડ), ચંદુ નાગજી હીરાણી (ઉ.વ. 45 રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી શેરી નંબર છ, મોરબી રોડ), નરેન્દ્ર રણજીત ડોડીયા (ઉ.વ. 46 રહે. શ્રીરામ પાર્ક સોસાયટી શેરી નંબર 2, કુવાડવા રોડ), રાજેશ ગોરધન ગેડિયા (ઉ.વ. 46 રહે. રાજારામ સોસાયટી શેરી નંબર 3), પ્રવીણ ગોવિંદ મકવાણા (ઉ.વ. 29 રહે. ગૌરીદડ), શૈલેષ દેવજીભાઈ કેરાડીયા (ઉ.વ. 46 રહે. તિરૂપતિ સોસાયટી શેરી નંબર-1, મોરબી રોડ) અને દિનેશ મગનલાલ લીંબાસીયા(ઉ.વ. 50 રહે. આર્યનગર શેરી નંબર 21 સંત કબીર રોડ) નો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. 73,300 કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
જ્યારે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.પરમારની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જે. ગોહિલ તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોઠારીયા મેઇન રોડ પર ભવાની ચોક અંકુર સોસાયટી શેરી નંબર 3 માં રહેતા ઈબ્રાહીમ ઓઢાભાઈ નોતીયારનો(ઉ.વ. 39)ના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા ત્રણ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ઈબ્રાહીમ ઉપરાંત હુસેન અનુવરબાઈ શાહમદાર અને મહેબૂબ દાદુભાઇ રાઉમાનો સમાવેશ થાય છે.

