Girsomnath,તા.૨૩
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક રાજકારણમાં એક નિવેદનને કારણે ચર્ચાનો માહોલ ગરમાયો છે. વાસ્તવમાં ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા આહીર સમાજને સંબોધતા આપેલા નિવેદનથી રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. સુત્રાપાડા નજીક ગોરખમઢીમાં યોજાયેલી ભાજપની સભા દરમિયાન તેમણે મતદાતાઓને સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો કે, મતદાન સમયે વિશ્વાસ જાળવવો જરૂરી છે.
ધારાસભ્ય ભગવાન બારડે સભા દરમિયાન જણાવ્યું કે, સમાજ અને નેતૃત્વ વચ્ચેનો ભરોસો સૌથી મહત્વપૂર્ણ છે. જો આ વિશ્વાસ તૂટશે, તો સંબંધોમાં દૂરી આવી શકે છે. તેમના નિવેદનનો સાર એવો હતો કે, મતદાન સમયે કોઈ ગેરસમજ અથવા “ભૂલ” ન થવી જોઈએ, કારણ કે તે વિશ્વાસને અસર કરી શકે છે. તેમણે એ પણ ઉમેર્યું કે, તેઓ સમાજના સમર્થન પર આધાર રાખીને રાજકીય નિર્ણય લે છે, તેથી આ સંબંધ મજબૂત રહેવું જરૂરી છે.
આ સાથે તેમણે આહીર સમાજના લોકોને મતદાનમાં ભૂલ ન કરવા કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, તમે વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા તમારા માટે બંધ થઇ જશે. ભરોસો તોડનાર વ્યક્તિને હું નહીં સ્વીકારું, અમે તમારા વતી કોઈકને ભરોસો આપીને બેઠા છીએ એટલે તમારો અને મારો વિશ્વાસ ન તૂટે એનું ધ્યાન રાખજો. આ નિવેદનને કેટલાક લોકો કડક ચેતવણી તરીકે જોતા હોય છે, જ્યારે કેટલાક તેને રાજકીય ભાવનાત્મક અપીલ માને છે.

