પુત્રની પાનની કેબિને જતી વેળાએ નડ્યો અકસ્માત, પરિવારમાં શોક છવાયો
Rajkot,તા.25
શહેરના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં રોડ ક્રોસ કરી પોતાના પુત્રની પાનની કેબિને જઈ રહેલા 82 વર્ષીય વૃદ્ધને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે કબર પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારીયા સોલ્વન્ટ પાસે આવેલ સૌરાષ્ટ્ર સોલ્વન્ટ મિલના ક્વાર્ટરમાં રહેતા હરજીભાઈ ભીમજીભાઈ કબર (ઉ.વ. 82) ગઈકાલે સવારના સમયે પોતાના ઘરેથી ચાલીને રાજકોટ-ગોંડલ રોડ પર આવેલી તેમના પુત્રની પાનની કેબિને જઈ રહ્યા હતા. આ દરમિયાન માર્ગ પર પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા બાઈક ચાલકે હરજીભાઈને ટક્કર મારી હતી. બાઈકની ઠોકરે ચડેલા હરજીભાઈ રોડ પર ફંગોળાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે. આ બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જી નાસી છૂટેલા અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે. 82 વર્ષીય પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં આક્રંદ છવાયો છે.

