પુત્રના ઘરે રોકાવા આવેલા માતા હોસ્પિટલમાં બેભાન થઈ જતા મોત નીપજ્યું, પરિવારમાં શોક
Rajkot,તા.25
શહેરના સિવિલ હોસ્પિટલમાં જામજોધપુર પંથકના તરસાઈ ગામના વતની 53 વર્ષીય પ્રૌઢાનું એમઆરઆઈ સ્કેનિંગ દરમિયાન જ હાર્ટ એટેક આવતા મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે રહેતા રમાબેન ભગવાનજીભાઈ પરમાર (ઉ.વ. 53) હાલ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં સહનગર શેરી નં. 4 માં રહેતા તેમના પુત્રના ઘરે રોકાવા આવ્યા હતા. ગઈકાલે તેમને પીઠમાં અસહ્ય દુખાવો થતા પરિવારજનો તેમની સારવાર માટે જી.ટી. શેઠ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે સચોટ નિદાન માટે રમાબેનનો એમઆરઆઈ રિપોર્ટ કરાવવાની સલાહ આપી હતી. તબીબની સલાહ મુજબ પરિવારજનો રમાબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એમઆરઆઈ કરાવવા લઈ ગયા હતા. એમઆરઆઈ કરવાની પ્રક્રિયા હજુ ચાલુ જ હતી તે દરમિયાન અચાનક રમાબેનને હાર્ટ એટેક આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. ગભરાયેલા પરિવારજનો તેમને તાત્કાલિક ખાનગી એચસીજી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાંના તબીબોએ રમાબેનને તપાસી મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક રમાબેનને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. પીઠના સામાન્ય દુખાવાની તપાસ કરાવવા ગયેલા પ્રોઢાનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

