દુકાન પડાવી લેવા બાબતે થયેલી ફરિયાદનો ખાર રાખી સોયલે અકસ્માત સર્જ્યો હોવાનો આક્ષેપ
Rajkot,
શહેરના રૈયા રોડ પર આવેલ હીરામલ નગર પાસે પૌત્રએ જ પોતાની દાદીના બાઈક સાથે બાઈક અથડાવી પછાડી દેતા ચકચાર મચી ગઈ છે. દુકાન પચાવી પાડવા બાબતે થયેલી પોલીસ અરજીનો ખાર રાખી પૌત્રએ આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. .પ્રાપ્ત વિગત મુજબ, રૈયા રોડ પર હનુમાન મઢી પાસે ન્યૂ રંગ ઉપવન સોસાયટીમાં રહેતા ફરીદાબેન ઇકબાલભાઈ બુખારી (ઉ.વ. 55) મોટરસાઈકલ લઈને દૂધની ડેરીએ કામ અર્થે જઈ રહ્યા હતા. ત્યારે હીરામલ નગર પાસે તેમના પૌત્ર સોયલે પોતાનું મોટરસાઈકલ ફરીદાબેનના બાઈક સાથે જોરભેર અથડાવ્યું હતું. આ અકસ્માતમાં ફરીદાબેન રોડ પર પટકાતા તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ફરીદાબેનના પતિ ઇકબાલભાઈ ડિસ્ક કનેક્શનનું કામ કરે છે. તેમની દુકાન પૌત્ર સોયલે પડાવી લીધી હતી, જે બાબતે અગાઉ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીનો ખાર રાખીને સોયલે જાણીજોઈને દાદીના બાઈકને ઠોકરે ચડાવ્યું હતું. બનાવની જાણ થતા સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત ફરીદાબેનને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. હાલ પોલીસે આ મામલે મિલકત વિવાદ અને અકસ્માત સર્જી ઈજા પહોંચાડવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

