ફોન પર વાત કરતો સાયકલ સવારના મોબાઇલ આંચકી બેલડી નાસી ગઈ’તી: રીબડાના સુનિલ વઢીયારાની શોધખોળ
Rajkot,તા.25
શહેરના માલધારી ફાટક પાસે ચાલુ સાયકલે ફોન પર વાત કરી રહેલા યુવાનના હાથમાં ઝોંટ મારી બાઈક પર આવેલી સમડી મોબાઈલ ફોન આંચકી ગઈ હતી. રૂપિયા 14000 ની કિંમતનો મોબાઇલ અને મોબાઈલના કવરમાં રાખેલા રોકડ રૂપિયા 5,000 બાઈક પર આવેલી બેલડીને પોલીસે ગણતરીની કલાકોમાં એક આરોપીને ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રૂ.૫ હજાર ઉપરાંત બાઇક સહિત રૂ. ૬૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે તેના સાથીદારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
મૂળ વઢવાણના બાળા ગામના વતની અને હાલ રાજકોટમાં ગુલાબનગર શેરી નંબર 21 રોલેક્સ રોડ પર રહેતા સુબાન ભીખુભાઈ પરમાર (ઉ.વ.18) નામના યુવાને આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, પોતાના ઘરેથી જમીને સાયકલ લઇ કામ પર જવા માટે નીકળ્યો હતો. માલધારી ફાટકથી આગળ રોડ પર જતા તેના મોબાઇલમાં કોલ આવતા ખિસ્સામાંથી ફોન કાઢી તે ફોન પર વાત કરતો હતો. દરમિયાન પાછળથી સપ્લેન્ડર જેમાં બે શખસો સવાર હતા તેણે યુવાન કંઈ સમજે તે પૂર્વે તેના હાથમાંથી મોબાઈલ ફોન ઝોંટ મારી આંચકી લીધો હતો. યુવાનના આ મોબાઇલની કિં.રૂ. 14,000 હોય તેમજ મોબાઈલ ફોનના કવરમાં રોકડ રૂપિયા 5,000 રાખ્યા હતા જે આ શખસો ચીલઝડપ કરી ગયા હતા. ત્યારબાદ યુવાને આ બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોએ તેના હાથમાં ઝોંટ મારી રૂ.14,000 ની કિંમતનો મોબાઇલ ફોન અને મોબાઈલના કવરમાં રાખેલ રૂપિયા 5,000 રોકડ ચીલઝડપ કરી ગયા અંગે ફરિયાદ નોંધાવી હતી. આજીડેમ પોલીસ મથકના મળેલી બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ પર જયનગર ઢાળીયા પાસેથી રોહિત મનસુખભાઇ પરમાર(ઉ.વ. ૨૦ રહે. લોઠડા મૂળ સુરી તા. ચોટીલા) ને ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રૂ.૫ હજાર ઉપરાંત બાઇક સહિત રૂ. ૬૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પુછતાછ કરતા તેના સાથીદારનું નામ સુનીલ વઢીયારા(રહે. રીબડા તા. ગોંડલ) હોવાનું માલુમ પડયું છે. જે હાલમાં ઝડપાયેલા આરોપીનો પીતરાઇ ભાઇ છે અને તેણે જ યુવાનના હાથમાંથી મોબાઇલ આંચકી લીધો હતો. જેથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

