સાવરીયા કોર્પોરેશન પેઢીના પ્રોપાઈટર રાહુલે વેપારીને ફસાવી લાખો રૂપિયા પડાવી લીધા’તાં , બે શખ્સોની શોધખોળ
Rajkot,તા.25
શહેરના વેપારી સાથે સીએનસી મશીનના નામે રૂ.૬૭.૨૬ લાખની છેતરપીંડી કરનાર રાહુલ સાગઠિયા ઝડપાયો છે. સાવરીયા કોર્પોરેશન નામની પેઢીના પ્રોપાઈટર રાહુલે વેપારીને ફસાવી લાખો રૂપિયા પડાવી લીધા હતાં. આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે કાર્યવાહી કરી હતી. જો કે તમામ રૂપીયા લઈ નાસી છૂટનાર બે સાગરીત હજું પોલીસ પકડથી દૂર રહેતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે. ડીસીબી પોલીસ મથકમાં ગઈ તા. તા.૧૫ ના છેતરપીંડીનો ગુનો દાખલ થયેલ હતો. જેમા ફરીયાદીને પોતાના સોના ચાંદીના વેપાર માટે સીએનસી મશીન ખરીદવા માટે આરોપીઓની સાવરીયા કોર્પોરેશન નામની પેઢીના બેંક ખાતામાં પ્રથમ રૂ. ૧૭.૩૬ લાખ ત્યારબાદ ફરીયાદીએ લીધેલ લોનના રૂ. ૪૯.૯૦ લાખ મળી કુલ રૂ.૬૭.૨૬ લાખ આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરેલ હોય ત્યારબાદ આરોપીઓએ આજ સુધી ફરીયાદીને કોઈ મશીન મોકલાવેલ ન હોય કે કોઇ રૂપીયા પણ પરત નહી આપી મોટી રકમનો આર્થિક લાભ મેળવી આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડી ફરીયાદી સાથે છેતરપીંડી કરેલ હતી.આર્થિક ગુન્હા નિવારણ શાખાના હુમન સોર્સીસ તથા ટેકનીકલ એનાલીસીના આધારે મુખ્ય સૂત્રધાર રાહુલ લક્ષ્મણ સાગઠીયાને પકડી પાડી કાર્યવાહી કરી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ તાલુકા પોલીસ મથકમાં મારામારીનો ગુનો પણ નોંધાયેલ છે. પકડાયેલ આરોપી પોતે જ ફ્રોડ પેઢીનો પ્રોપાઈટર હતો. તેને ફરીયાદીને ફસાવી લાખો રૂપીયા પડાવ્યાં હતાં. જો કે, તે તમામ રૂપીયા જયદીપ ગીરીશ નનેરા અને જયદીપ પટેલ નામના શખ્સો લઈ નાસી છૂટ્યાની કબૂલાત આપતાં પોલીસે તે બંને શખ્સોની શોધખોળ આદરી છે.

