Rajkotતા.27
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયત અને જીલ્લાની 11 તાલુકા પંચાયતોમાં યોજાયેલા ચુંટણી મતદાનમાં ગત વખત કરતા ઘટાડો નોંધાયો હોવાથી કેવા પરિણામ આવશે તે વિશે રાજકીય પક્ષોમાં ઉતેજના છવાઈ છે. ખાસ કરીને સતાધારી ભાજપ ગત ટર્મ જેટલી બેઠકો જાળવી શકશે કે કેમ તે વિશે અટકળો જોર પકડવા લાગી છે. એકાદ ડઝન જેટલી બેઠકો ભાજપ માટે જોખમી હોવાનાં તારણ નિકળ્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં કુલ 58.98 ટકા મતદાન થયુ હતું. જે 2021ની સરખામણીએ 4.49 ટકા ઓછુ હતું. જિલ્લાની બેડલા સીટ પર સૌથી વધુ 75.31 ટકા મતદાન નોંધાયુ હતું જયારે લોધીકાની બેઠક પર માત્ર 41.41 ટકા હતું. જો કે આ આંકડામાં તફાવત હોવાની અટકળો છે.
કારણ કે ચાલુ મતદાન દરમ્યાન વધુ ઉંચા આંકડા દર્શાવાયા હતા. આ સિવાય જામકંડોરણાના દડવીની બેઠક પર છેલ્લા એક કલાકમાં મતદાન એકાએક વધી ગયુ હતું. અન્યથા સાંજે પાંચ વાગ્યા સુધી મતદાનની રફતાર ઘણી ધીમી હતી.
જીલ્લા પંચાયતમાં સરેરાશ 58.98 ટકા મતદાન થયુ તેમાં મહતમ મતદાન બપોરે એક વાગ્યા સુધીમાં જ થઈ ગયુ હતું અને ફરી આકરો તાપ નડયો હોય તેમ રફતાર સાવ ધીમી થઈ ગઈ હતી. સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધીની છ કલાકમાં 35.81 ટકાએ મતદાનનો આકરો પહોંચી ગયો હતો અને પછીની પાંચ કલાકમાં તે માત્ર 23 ટકા થયુ હતુ.
મહત્વની વાત એ છે કે જીલ્લા પંચાયતની લગભગ મોટાભાગની બેઠકોમાં પુરૂષો કરતા સ્ત્રીઓનું મતદાન ઓછુ રહ્યું હતું. તમામ 36 બેઠકોમાં સરેરાશ 10 ટકા ઓછુ મતદાન હતું.
રાજકોટ જીલ્લાની તાલુકા પંચાયતોમાં સરેરાશ 60.36 ટકા મતદાન થયું હતું. એકમાત્ર રાજકોટ તાલુકાની બેઠકોમાં મતદાનનો આંકડો 70 ટકાથી વધુ નોંધાયો હતો.
મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષો સંભવિત પરિણામની ગણતરી કરવામાં ગુંથાયા હતા.
ત્રિપાંખીયો જંગ હોવાથી અનેક બેઠકોમાં ઘણી રસાકસી થવાના એંધાણ છે. ગત ટર્મમાં ભાજપ 36માંથી 30 બેઠક ધરાવતું હતું.
આ આંકડો જાળવી શકે છે કે કેમ તેના પર મીટ છે. જો કે દડવી, આણંદપર, સરધાર ઉપરાંત લોધીકા, જસદણ, વિંછીયા પંથકની એકાદ ડઝન બેઠકો જોખમી ગણવામાં આવી રહી છે.

