Rajkot, તા. ર8
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યોજાયેલી નવી જુની મહાપાલિકાઓની ચૂંટણીમાં ફરી ભગવો લહેરાયો હોય તેવું જ વાતાવરણ છે. રાજકોટ ભાજપનો ગઢ અકબંધ રહ્યો છે. તો પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર સહિતની નવી મહાપાલિકાઓમાં પણ ભાજપનો જય જયકાર સવારે ઉપસી આવ્યો છે. રાજકોટમાં સવારે વોર્ડ નં.16ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોની પેનલ વિજેતા જાહેર થવા લાગી હતી. જોકે અડધાથી વધુ વોર્ડના પરિણામ બાકી છે. વોર્ડ નં.1માં પણ ભાજપ વિજેતા જાહેર થઇ ગયો છે.
પોરબંદર મહાપાલિકાની પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં પણ ભગવો લહેરાઇ ગયો છે. તો મોરબી કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સવારે એક સાથે ભાજપના ત્રણથી વધુ વોર્ડ વિજેતા જાહેર થતા નગરપાલિકા બાદ મહાપાલિકામાં પણ ભાજપનું શાસન આવી રહ્યું છે.
ગોંડલ નગરપાલિકામાં તો વિપક્ષનું નામો નિશાન રહ્યું નથી. ચૂંટણી પહેલા જ પાલિકામાં ર3 બેઠક ભાજપે બિનહરીફ મેળવી લીધી હતી. ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનમાં પણ સવારે ભાજપની પેનલો સડસડાટ આગળ નીકળતા ગોહિલવાડમાં ભાજપ ભાજપ છવાઇ ગયો છે. આ રીતે સૌરાષ્ટ્રમાં નવી અને જુની મહાપાલિકાઓ તથા નગરપાલિકાઓમાં મતદારોએ ભાજપ ઉપર જ વિશ્વાસ મુકયાનું સુગંધી વાતાવરણ પ્રસરી ગયું છે.
અમરેલી જિલ્લામાં આપની એન્ટ્રી બગસરા પાલિકામાં નોંધાઇ છે. જસદણની આટકોટ બેઠક પર આપના ઉમેદવારોની એન્ટ્રી થઇ છે. કુતિયાણા, ખાંભા, સુત્રાપાડા, તાલાલામાં ભાજપના ઉમેદવારોની સવારે જીત થઇ છે. ઉનાની ભાચા જિલ્લા પંચાયત બેઠક, ગોંડલની દડવા, જામનગરના વોર્ડ નં.5 અને 9, બોટાદ જિલ્લાની જાલીડા બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારો જીતી ગયા છે.

