Jamnagar તા.1
ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ સજા અને ચેકની રકમની બમણી રકમ રૂા.1,00,35,208 ફરીયાદિને તારીખથી વાર્ષિક 9 ટકાના વ્યાજે વળતર પેટે ફરીયાદીને ચૂકવવાનો મોરબી કોર્ટનો હુકમ કર્યો હતો.
મોરબી મુકામે સીરામીક ટાઈલ્સ તથા સેનેટરીવેર્સનું ઉત્પાદન કરતી ઓસીસ વિટ્રીફાઈડ પ્રા. લી. કંપની પાસેથી હરીયાણા મુકામે મહિમા ટાઈલ્સના નામે ધંધો કરતા વેપારી સુરેશકુમાર બાબુલાલએ સીરામીક ટાઈલ્સની ખરીદી કરેલ જેની લેણી નિકળતી રકમ રૂા. 50,17,604/- પુરાની ચૂકવણી માટે મહિમા ટાઈલ્સના ખાતાનો ચેક સુરેશકુમાર બાબુલાલએ ઓસીસ વિટ્રીફાઈડ પ્રા. લી. કંપનીના નામનો લખી આપેલ.
જે ચેક કંપની દ્રારા પોતાના ખાતામાં ભરતાં ચેક વસુલ થયા વગર બેન્કમાંથી પરત ફરતાં કંપનીએ ઓસીસ વિટ્રીફાઈડ પ્રા. લી. કંપનીના વકિલ આર.એ.પટેલ મારફત કાનૂની નોટીસ મહિમા ટાઈલ્સને પાઠવી ચેક રીટર્ન થયાની જાણ કરેલ તેમ છતાં ચેક મુજબની રકમ વસૂલ નહિં આપતા ઓસીસ વિટ્રીફાઈડ પ્રા. લી. કંપનીએ મોરબીની અદાલતમાં ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઈ મુજબ ચેક રીટર્નની ફરીયાદ મહિમા ટાઈલ્સ, સુરેશકુમાર બાબુલાલ વિરૂધ્ધ દાખલ કરેલ હતી.
તે ફરીયાદ મોરબીના ચોથા એડિશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની અદાલતમાં ચાલી જતાં અને સમગ્ર પૂરાવાનું મૂલ્યાંકન કરી અદાલત દ્વારા આરોપી સુરેશકુમાર બાબુલાલને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો તથા ચેક મુજબની રકમ રૂા. 50,17,604પુરાની ડબલ રકમ રૂા.1,00,35,208 ફરીયાદ તારીખથી વાર્ષિક 9 ટકાના વ્યાજે વળતર પેટે ફરીયાદીને ચૂકવવાનો હુકમ ફરમાવેલ છે.
આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેલ ન હોય આરોપી વિરૂધ્ધ ધરપકડ વોરંટ તથા સજા વોરંટ ઈસ્યુ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. ફરીયાદી તરફે વકિલ આર.એ.પટેલ, એન.એલ.વડસોલા તથા ઈન્ટર્નશીપ મિતાલી ભોજાણી, મૌલી કાવર રોકાયેલ હતા.

