Gandhinagar,તા,05
રાજયમાં કાળઝાળ ઉનાળા વચ્ચે ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા આજરોજ સવારમાં ગુજરાત-સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં અચાનક હવામાન પલ્ટો સર્જાયો હતો અને ગાજવિજ તથા કરા સાથે વધુ એક માવઠુ વરસ્યુ હતું.
આજરોજ વહેલી સવારમાં કચ્છના ભચાઉ ગ્રામ્ય પંથકમાં કડોલ, ખનફરા, ખારોઈ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસી ગયો હતો. જયારે આજે સવારે ચોટીલા અને તેની આસપાસના વિસ્તારમાં પણ કરા સાથે કમોસમી વરસાદ પડયો હતો, તો.. સાયલા પંથકમાં પણ સવારે ગાજવીજ સાથે માવઠુ વરસી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા હતા.
હવામાન વિભાગ અનુસાર ડબલ્યુ ડીનાં કારણે આજે તથા કાલે પણ સૌરાષ્ટ્ર- ગુજરાતનાં અમૂક ગામોમાં વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આજે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજયના મુખ્ય શહેરોમાં સૂર્યદેવ આકરા પાણીએ છે.
ત્યારે બીજી તરફ ઉતર અને પૂર્વ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ (માવઠુ) પડયુ છે સાયકલોનીક સકર્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સીસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં આ ફેરફાર જોવા મળ્યો છે.
આજે પાંચમી મેની વહેલી સવારથી રાજયના ત્રણ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મોડાસ, પાલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકયો છે.
મહીસાગર કડાણા તાલુકાના સરહદી ગામો અને ખાનપુર પંથકમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો છે. ગોધર ઉતર, જોગણ અને સરસવા સહિતના વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી છે. દાહોદ જિલ્લામાં લાંબા વિરામ બાદ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
ભર ઉનાળે થયેલા આ વરસાદથી સામાન્ય લોકોને ગરમીમાં રાહત મળી છે, પરંતુ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ખેતરોમાં ઉભેલા મકાઈ, બાજરી અને પશુઓ માટેના ઘાસચારાના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યના મોટા શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદ શહેરમાં આગામી 6 દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 41ઓઈ સુધી પહોંચવાની શક્યતા છે.
ગાંધીનગર અને રાજકોટમાં પણ ગરમીનો પારો 40ઓઈ ને પાર કરી શકે છે. સુરત અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 31ઓઈ થી 34ઓઈ વચ્ચે રહેતા ગરમીનું જોર ઓછું રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉકળાટ અને બફારો હજુ પણ યથાવત રહી શકે છે.

