Jamnagar તા.૮ઃ
ઓલ ઈન્ડિયા ઈન્ટ્રા સૈનિક સ્કૂલ્સ ગ્રુપ ’જી’ હૉકી ટુર્નામેન્ટ ૦૮ મે ૨૦૨૬ ના રોજ સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે એક ભવ્ય સમાપન સમારોહ ઉત્સાહભેર પૂર્ણ થયો. જે સ્કૂલ કેમ્પસના રણજી સ્પોટ્ર્સ એરેના ખાતે માર્ચ પાસ્ટ, હોલો સ્ક્વેર ફોર્મેશન, ઈનામ વિતરણ સમારોહનો સમાવેશ થયો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન કર્નલ શારિક આઝાદ, કમાન્ડિંગ ઑફિસર, ૨૭ મદ્રાસ રેજિમેન્ટ, જામનગરના હતા. તેઓ સૈનિક સ્કૂલ નગરોટા (જમ્મુ અને કાશ્મીર), નેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને ઈન્ડિયન મિલિટ્રી એકેડેમી, દેહરાદૂનનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
આ ટુર્નામેન્ટ ત્રણ શ્રેણીઓમાં યોજાઈ હતી – છોકરાઓ અંડર-૧૭, છોકરાઓ અંડર-૧૫ અને છોકરીઓ અંડર-૧૭. આ કાર્યક્રમનું ઉદૃઘાટન ૦૪ મે ૨૦૨૬ ના રોજ શાળાના કાર્યકારી આચાર્ય, કમાન્ડર હરિરામ પુનિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોની છ સૈનિક શાળાઓએ આયોજિત ટૂર્નામેન્ટ માં ચેમ્પિયનશિપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
બોય્સ અંડર-૧૭ કેટેગરીમાં, સૈનિક સ્કૂલ બીજાપુર ચેમ્પિયન તરીકે ઉભરી આવી, જ્યારે સૈનિક સ્કૂલ સતારા રનર્સ-અપ અને સૈનિક સ્કૂલ ચંદ્રપુર ત્રીજા સ્થાને રહી.
ગર્લ્સ અંડર-૧૭ કેટેગરીમાં, સૈનિક સ્કૂલ બાલાચડીએ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી, ત્યારબાદ સૈનિક સ્કૂલ બીજાપુર રનર્સ-અપ અને સૈનિક સ્કૂલ સતારા ત્રીજા સ્થાને રહી.
બોય્સ અંડર-૧૫ કેટેગરીમાં, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મિલિટ્રી એકેડેમી, સિલવાસાએ વિજય મેળવ્યો, જ્યારે સૈનિક સ્કૂલ બીજાપુરે બીજું સ્થાન મેળવ્યું અને સૈનિક સ્કૂલ ચંદ્રપુર ત્રીજા સ્થાને રહ્યું.
મુખ્ય મહેમાન દ્વારા વિજેતાઓ અને સહભાગીઓને મેડલ, પ્રમાણપત્રો અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું. છાપરડાના બ્રહ્માનંદ વિદ્યા મંદિરના કેડેટ આદર્શ પટેલને ટુર્નામેન્ટનો ખેલાડી એનાયત કરવામાં આવ્યો. ત્રણેય કેટેગરીમાં શ્રેષ્ઠ ફોરવર્ડ, શ્રેષ્ઠ મિડફિલ્ડર, શ્રેષ્ઠ ડિફેન્ડર અને શ્રેષ્ઠ ગોલકીપરને પણ ખાસ મેડલ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા.

