Surat ,તા.૮
સુરત શહેરમાં વધુ એક મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. સીટીલાઈટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વ્યક્તિ સાથે ‘બાય ઇન્ડી’ નામની કંપનીમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પ્રવીણ દારુકા અને તેના પુત્ર હર્ષ દારુકા સામે ફરિયાદ નોંધાતા ઇકો સેલ પોલીસે તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ આરોપી પિતા-પુત્રએ ભોગ બનનાર વૃદ્ધનો સંપર્ક કરીને પોતાની કંપનીમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા. તેમણે રોકાણ પર દર વર્ષે ૨૫ ટકા જેટલો ઊંચો નફો આપવાની ખાતરી આપી હતી. નિવૃત્તિ બાદની જમાપુંજી સુરક્ષિત રીતે વધશે એવી આશામાં વૃદ્ધે મોટી રકમનું રોકાણ કર્યું હતું.
આરોપીઓએ વિશ્વાસમાં લઈ કુલ ૪.૭૬ કરોડ જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. જોકે, જ્યારે રોકાણકારે પોતાનો નફો અને મૂળ રકમ પરત માંગવાની શરૂઆત કરી, ત્યારે આરોપીઓએ જીએસટી ભરવાના બહાને વધુ રકમની માંગણી કરી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે ટેક્સ ભર્યા પછી જ રોકાણની રકમ છોડવામાં આવશે તેવી વાત કહી આરોપીઓએ વધુ ૮૦ લાખ પણ પડાવી લીધા હતા. લાંબા સમય સુધી કોઈ રકમ પરત ન મળતાં આખરે ભોગ બનનારને છેતરપિંડીનો ભાન થયું અને તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
સમગ્ર મામલો સામે આવતા સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલે તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પ્રવીણ દારુકા અને હર્ષ દારુકા વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે આરોપીઓના નાણાકીય વ્યવહારો અને અન્ય સંભવિત રોકાણકારોની માહિતી એકત્ર કરી રહી છે. આ ઘટનાએ સુરતમાં રોકાણના નામે થતા ફ્રોડ અંગે ફરી ચિંતા ઊભી કરી છે.

