Washington,તા.24
ભારત અને અમેરિકા વચ્ચે ગત એપ્રિલ માસથી શરૂ થયેલા ટેરિફ વિવાદમાં હવે બન્ને દેશો વ્યાપાર સમજુતી કરવાની અત્યંત નજીક આવી ગયાના સંકેત છે. દક્ષિણ અને મધ્ય એશિયા બાબતના ઉપ સહાયક સચીવ બેથની પોલોસ મોરિસને આ દાવો કર્યો હતો.
તેમણે દાવો કર્યો કે, બન્ને દેશો વચ્ચે સમજુતી થતા જ અમેરિકાના ઉત્પાદનો માટે 140 કરોડ લોકોનું ભારતનું બજાર ખુલી જશે. આ સમજુતી બન્ને દેશોને બરોબરનો લાભ થાય તે રીતે થશે. અમેરિકા મીશન 500 પર કામ કરી રહ્યું છે જેનો ઉદેશ 2030 સુધીમાં બન્ને દેશોના વ્યાપાર 500 અબજ ડોલરનો કરવાનો છે અને બન્ને તે માટે અત્યંત ગંભીર છે.
તેઓએ દાવો કર્યો કે, 2025માં બન્ને દેશો વચ્ચેનો વ્યાપાર 149 અબજ ડોલર થયો છે જે અગાઉના વર્ષની સરખામણીમાં 20 મીલીયન ડોલર વધુ હતો. ભારતમાં થતી અમેરિકી નિકાસમાં 9.8%નો વધારો નોંધાયો છે.
તેઓએ એ પણ દાવો કર્યો કે ભારતીય કંપનીમાં અમેરિકાએ રોકાણ માટે ભારે રસ દાખવી રહી છે. સીલેકટ-યુએસ કાર્યક્રમ સમયે 1.1 અબજ ડોલરનું રોકાણ તુર્તજ આવી ગયુ હતું.
હાલ દિલ્હીમાં અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીટ તથા ભારતના વ્યાપારમંત્રી પીયુષ ગોયલ વચ્ચે ગઈકાલે જ દિલ્હીમાં જે વાતચીત થઈ છે તેને છેલ્લા તબકકાની ગણાય છે. અમેરિકી દૂતાવાસે પણ એક તટસ્થ વ્યાપાર સમજુતી થશે તેવો દાવો કર્યો છે અને બન્ને દેશો આ માટે આગળ વધી રહ્યા છે.

