Ahmedabad તા.૮
શહેરમાં સાયબર ક્રાઈમ અને ગેરકાયદે કોલ સેન્ટરો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. નરોડા પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે કરાઈ કટ ચાર રસ્તા પાસે આવેલા ‘આત્રે ઇવાન-૩’ ફ્લેટમાં દરોડો પાડીને અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ “એડવાન્સ અમેરિકા” નામની નકલી કંપનીના નામે વિદેશી નાગરિકોને સસ્તી લોન આપવાની લાલચ આપીને તેમની પાસેથી પ્રોસેસિંગ ફી અને ગિફ્ટ કાર્ડ મારફતે નાણાં પડાવતા હતા.
નરોડા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ફ્લેટ નંબર ૬૦૭ માં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પોલીસે પંચોની હાજરીમાં દરોડો પાડતા સ્થળ પરથી ૫ શખ્સો લેપટોપ અને મોબાઈલ દ્વારા વિદેશી નાગરિકો સાથે વાતચીત કરતા રંગેહાથ ઝડપાયા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે ૫ લેપટોપ, ૧૦ મોબાઈલ ફોન, હેડફોન, કોલિંગ સ્ક્રિપ્ટ અને નકલી લેટરપેડ સહિત કુલ રૂ. ૨,૧૭,૫૦૦ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કેસમાં પોલીસે મનિષ અંસાની, જયેશ મકવાણા, કૃણાલ ચાવલા, દિનેશ કલ્યાણી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર સહિત કુલ ૫ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા તમામ આરોપીઓ શહેરના સરદારનગર વિસ્તારના રહેવાસી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કોલ સેન્ટર મારફતે અત્યાર સુધીમાં કેટલા અમેરિકન નાગરિકોને છેતરવામાં આવ્યા છે અને આ નેટવર્કના તાર અન્ય કયા મોટા માથાઓ સાથે જોડાયેલા છે.

