(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૯
મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા એક શખ્સે કાકા અને ભત્રીજા પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને ગળા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મહેન્દ્રપરામાં રહેતા ૫૩ વર્ષીય યુસુફશા કરીમશા શાહમદારે આ મામલે આફતાબ ઉર્ફે ભુરો જુણેજા નામના શખ્સ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
બનાવની વિગતો અનુસાર, ફરિયાદી યુસુફશા પાસે આરોપી આફતાબે પૈસાની માગણી કરી હતી, જેની ના પાડતા આરોપીએ ગાળાગાળી કરી છરી વડે હુમલો કર્યો હતો. કાકાને બચાવવા વચ્ચે પડેલા તેમના ભત્રીજા જાવીદને આરોપીએ ગળાના ભાગે, જમણા હાથના પંજામાં અને વાંસામાં છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ સહિતની બાબતોને ધ્યાને લઈ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

