Himmatnagar ,તા.૯
સાબરકાંઠાઃ ગુજરાતમાં અકસ્માતની હારમાળા વચ્ચે હાલ વધુ એક અકસ્માતની ઘટનાથી સાબરકાંઠા પંથકમાં અરેરાટી ફેલાઈ છે. હાલમાં સાબરકાંઠા જિલ્લા હિંમતનગર-તલોદ સ્ટેટ હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે પર ફરી એકવાર મરણચીસો ગુંજી ઉઠી છે. કાર અને બાઈક વચ્ચે ટક્કર થતા બે લોકોના મોત નીપજ્યા છે. જે મામલે બંને લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે મોડીરાતે (૮-૯મી મેની રાતે) સાબરકાંઠામાં હિંમતનગર-તલોદ સ્ટેટ હાઈવે ગઢોડા અને રામપુર વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આશરે રાત્રે બે વાગ્યાની આસપાસ મેડીટીંબા ગામના ૪૦ વર્ષિય લાલુસિંહ મકવાણા અને ૪૨ વર્ષિય વનરાજસિંહ મકવાણા બાઈક પર તલોદના છત્રીસાથી હિંમતનગર તરફ જઈ રહ્યા હતા. તે સમયે હિંમતનગર તરફથી રામપુર જઈ રહેલી એક ય્ફોરવ્હિલ કાર મકીનોઝ ફેક્ટરી નજીક રોડ પર તેમના બાઈક સાથે ધડાકાભેર ટકરાઈ હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક સાથે ટક્કર મારી કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. જ્યારે બાઈક રસ્તાથી નીચે ઉતરી ઝાડીઓમાં પટકાયું હતું. જેના કારણે બાઈક સવાર મેડીટીંબા ગામના વતની લાલુસિંહ મકવાણા અને વનરાજસિંહ મકવાણા બંનેનું ઘટનાસ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.
મધરાતે સુમસામ રસ્તા પર અકસ્માતને કારણે મરણચીસો ગુંજતા ત્યાંથી તપાસ થતા અન્ય વાહનચાલકોએ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને બાદમાં અકસ્માતની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક પ્રાંતિજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે બાઈક સવાર બંને લોકોનો પહેલાથી જ મોત થઈ જતા પોલીસે તેમના મૃતદેહોને હિંમતનગર સિવિલ ખાતે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

