(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreli તા.૧૨ઃ
જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામે મિસ્ત્રી કામ કરી રહેલા એક આધેડ અચાનક વાંસ (ઘોડી) તૂટી પડતા નીચે પટકાયા હતા. જે બાદ સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સંજયભાઇ મનુભાઇ ભાલીયા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, મનુભાઇ ભગવાનભાઇ ભાલીયા (ઉ.વ.૫૬) ડ ઊંચાઈ પર ચડીને કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જે વાંસના ટેકા પર તેઓ ઉભા હતા તે વાંસ તૂટી ગયો હતો. વાંસ તૂટતા જ તેઓ પૂરઝડપે જમીન પર પટકાયા હતા. નીચે પડવાને કારણે તેમને જમણા પગના ગોઠણના નીચેના ભાગે અને શરીરે અન્ય જગ્યાએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત અવસ્થામાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આધેડના અકાળે અવસાનથી ગ્રામજનોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી.

