Mumbai,તા.16
પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યાં છે. મુંબઈ ઈન્ડિયન્સના બેટર તિલક વર્મા પર કરવામાં આવેલી કથિત ‘રંગભેદી’ ટિપ્પણી બાદ પૂર્વ ભારતીય સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણને આકરા તેવર અપનાવ્યા છે. તેમણે અર્શદીપ પર એક સીઝનનો પ્રતિબંધ મૂકવા માટે બીસીસીઆઈને તાકીદ કરી છે અને ભારપૂર્વક કહ્યું છે કે બોર્ડ પાસે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે.
‘ઓય અંધેરે…’: વાયરલ વીડિયોએ મચાવ્યો હોબાળો
આ સમગ્ર વિવાદની શરૂઆત ગુરુવારે અર્શદીપ સિંહ દ્વારા શેર કરવામાં આવેલા એક સ્નેપચેટ વીડિયોથી થઈ હતી. ધર્મશાળામાં રમાનારી મેચ પહેલા સામે આવેલા આ ક્લિપમાં અર્શદીપ સિંહ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી તિલક વર્મા સાથે વાતચીત કરતો જોવા મળે છે. વીડિયોમાં અર્શદીપ તિલક તરફ જોઈને સીધું જ કહે છે કે, “ઓય અંધેરે, સનસ્ક્રીન લગાયા?” (એય કાળા, સનસ્ક્રીન લગાવી છે?).
આટલું જ નહીં, ત્યારબાદ અર્શદીપ તિલકના સાથી ખેલાડી નમન ધીર તરફ ઈશારો કરતા તેને પંજાબનો ‘અસલી નૂર’ (રૂપાળો) ગણાવે છે. જોકે આ વીડિયો હળવી મજાકના હેતુથી બનાવવામાં આવ્યો હોય તેમ લાગે છે, પરંતુ સોશિયલ મીડિયા પર અનેક લોકોએ તેને ભેદભાવપૂર્ણ ગણાવી વિરોધ નોંધાવ્યો છે.
રમત નહીં, આ પ્રોફેશન છે : શિવરામકૃષ્ણન
ભૂતપૂર્વ લેગ સ્પિનર શિવરામકૃષ્ણને શુક્રવારે સવારે ‘X’ પર શ્રેણીબદ્ધ પોસ્ટ કરી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે આને માત્ર ડ્રેસિંગ રૂમની મજાક કહીને બચાવ કરનારા ચાહકોને આડે હાથ લીધા હતા.
તેમણે તર્ક આપ્યો હતો કે પ્રોફેશનલ ક્રિકેટમાં પાવર ડાયનેમિક્સને કારણે ઘણીવાર યુવા ખેલાડીઓ આવા અપમાન સામે બોલી શકતા નથી. તેમણે લખ્યું હતું કે, “આ હવે માત્ર રમત નથી રહી, આ એક પ્રોફેશન છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, જો બીસીસીઆઈ અત્યારના ખેલાડીઓ સામે કડક પગલાં લેશે, તો તેઓ પોતે પણ ભૂતકાળમાં પોતાની સાથે થયેલા રંગભેદના કિસ્સાઓ અને તેમાં સામેલ લોકોના નામ જાહેર કરવા તૈયાર છે. તેમણે આ મામલે આર્થિક અને સ્પર્ધાત્મક દંડ ફટકારવા પણ સૂચન કર્યું છે.
અનુશાસન અને આચારસંહિતાનો ભંગ?
આ વિવાદ એવા સમયે આવ્યો છે જ્યારે બીસીસીઆઈએ તાજેતરમાં જ તમામ આઈપીએલ ફ્રેન્ચાઈઝી માટે સોશિયલ મીડિયા વર્તણૂક અને ઓફ-ફિલ્ડ વ્યવહાર અંગે સાત પાનાની કડક એડવાઈઝરી જાહેર કરી છે.
અર્શદીપ સિંહ આ મહિનામાં બીજી વખત વિવાદમાં આવ્યો છે, અગાઉ તેના એક વ્લોગમાં યુઝવેન્દ્ર ચહલ વેપિંગ (ઈ-સિગારેટ) કરતો હોવાની આશંકા જણાતા હોબાળો થયો હતો.
આઈપીએલની આચારસંહિતા મુજબ, રમતની ભાવના વિરુદ્ધનું કોઈપણ વર્તન કે જે રમતને બદનામ કરે, તે મેચ રેફરી અથવા ડિસિપ્લિનરી કમિટીની તપાસને પાત્ર છે. હવે બોર્ડ આ મામલે સત્તાવાર તપાસ શરૂ કરે છે કે કેમ તેના પર ક્રિકેટ જગતની નજર છે.

