ભાનુબેન બાબરીયાની સફળ રજૂઆત: ખરાબ રસ્તાઓથી પરેશાન સ્થાનિકો અને વાહનચાલકોને મોટી રાહત મળશે
Rajkot તા.16
રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ સુવિધા વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કુલ 22.40 કિલોમીટર રસ્તાના નવીનીકરણ અને ડામરકામ માટે રૂ. 1995 લાખની મંજૂરી આપી છે.
ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી રસ્તાઓની હાલત ખરાબ હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને મુખ્ય માર્ગોને જોડતા રસ્તાઓ પર વાહનવ્યવહારનું પ્રમાણ વધુ હોવાથી અકસ્માતની ભીતિસાથે મુસાફરીમાં પણ મુશ્કેલીઓ ઊભી થતી હતી. સ્થાનિક ગ્રામજનો અને લોકપ્રતિનિધિઓ દ્વારા રોડના નવીનીકરણ, ડામરકામ, રોડ ફર્નિશિંગ તેમજ નાળા રીપેરીંગ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.
આ રજૂઆતોને ધ્યાને લઈ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ મામલો રાજ્ય સરકાર તથા ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કર્યો હતો. જેના અનુસંધાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વિવિધ રસ્તાના કામોને મંજૂરી આપવામાં આવી છે.
મંજૂર થયેલા કામોમાં વડાળ થી પાડાસણ રોડ માટે રૂ. 375 લાખ, હોડથલી થી ઉમરાળ રોડ માટે રૂ. 500 લાખ, લોધીડા-પાડાસણ રોડ માટે રૂ. 260 લાખ, ચિત્રાવાવ થી લોધીડા રોડ માટે રૂ. 450 લાખ, હરીપર-જુનારાજપીપળા રોડ માટે રૂ. 240 લાખ તેમજ હડમતાળા-અરડોઈ રોડ માટે રૂ. 170 લાખની ફાળવણી કરવામાં આવી છે.
આ કામો પૂર્ણ થતાં રાજકોટ અને કોટડાસાંગાણી તાલુકાના અનેક ગામોને મુખ્ય માર્ગો સાથે વધુ સારો સંપર્ક મળશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને સરળ વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ બનતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે.મંજૂરી બદલ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાએ ગ્રામજનો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

