Morbi, તા.16
વાંકાનેરની ઢુવા ચોકડી નજીક એ.કે.હોટલની નીચેના ભાગમાં આવેલ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાનું રિફિંલિંગ કરવામાં આવતું હતું ત્યાં એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપરથી જુદી જુદી ગેસ કંપનીના 25 બાટલા તથા વજન કાંટો વગેરે મળીને 43,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે એ.કે.હોટલની નીચેના ભાગમાં આવેલ દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલાને રિફિલિંગ કરવામાં આવે છે તેવી હકીકત એસઓજીની ટીમને મળી હતી જેના આધારે ત્યાં રેડ કરવામાં આવી ત્યારે સ્થળ ઉપર કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો રાખ્યા વગર અને લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ગેસના બાટલાને રિફિલિંગ કરવામાં આવતું હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું .
જેથી એસોજીની ટીમ દ્વારા સ્થળ ઉપરથી ગો ગેસ કંપનીના કોમર્શિયલ ખાલી અને ભરેલા 13 બાટલા, પૂરે ગેસ કંપનીના લાલ કલરના ગેસના ખાલી 2 કોમર્શિયલ બાટલા, સુપર ગેસ કંપનીના ખાલી અને ભરેલા 6 બાટલા, કેપ્શન કંપનીના ગેસના ખાલી 4 બાટલા અને એક વજન કાંટો તેમજ ગેસના બાટલામાં રીપેરીંગ કરવા માટે નાની અને મોટી કુલ મળીને 5 નીપલ આમ કુલ મળીને 43,650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આરોપી હનીફભાઈ હુસેનભાઇ બાવરા (47) રહે. વાકિયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

