Morbi તા 16
માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરેલા હોય તે બાબતનું મનદુ:ખ રાખીને યુવતીના પિતા, માતા અને બહેન યુવાનના ઘરે આવ્યા હતા અને ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી તોડફોડ ઘરમાં આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘરમાં 1 લાખનું નુકસાન કરવામાં આવ્યું છે જેથી હાલમાં પ્રેમ લગ્ન કરનાર યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરેલ છે.
માળીયા (મી) તાલુકાના ખાખરેચી ગામે રહેતા નરેશભાઈ પ્રભુભાઈ ઉચાણા (42)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઓસમાન અલ્લારખા મોકરસી, અમીના ઓસમાનભાઈ મોકરસી અને માહેનુર ઓસમાનભાઈ મોકરસી રહે. ત્રણેય ખાખરેચી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેના ભાઈના દીકરાએ આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરેલા હોય જે બાબતનું મનદુ:ખ ચાલતું હોય તેનો ખાર રાખીને ફરિયાદીના મોટાભાઈ નવઘણભાઈના ઘરની અંદર આરોપીઓ કુહાડી અને ત્રિકમ જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ત્યાં ફરિયાદીના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તેમજ ઘરની અંદર પડેલ ઘરવખરીની વસ્તુઓમાં કુહાડી અને ત્રિકમના ઘા મારીને નુકસાન કર્યું હતું તથા ઘરમાં આગ ચાંપી દઈને 1,00,000 નું નુકશાન કર્યું હતું જેથી હાલમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના કાકાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

