New Delhi.તા.20
ભારતનાં સ્પેસ સેક્ટરમાં ખાનગી કંપનીઓ હવે વૈશ્વિક સ્તરે ડંકો વગાડવા માટે તૈયાર થઈ રહી છે. દેશનું એક અગ્રણી સ્પેસ ટેકનોલોજી સ્ટાર્ટઅપ ‘આકા સ્પેસ’ અવકાશ વિજ્ઞાનનાં ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.
આ કંપની ભારતમાં જ અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ આપી શકાય તે માટે પાણીની અંદર એક વિશેષ સંશોધન કેન્દ્ર એટલે કે ‘અંડરવોટર હેબિટેટ’નું નિર્માણ કરી રહી છે. આ પ્રોજેક્ટ દેશનો સૌપ્રથમ હ્યુમન સ્પેસફ્લાઇટ એનાલોગ પ્રોગ્રામ અને હાઇપરબેરિક હેબિટેટ પ્રોગ્રામ બનશે, જે ભવિષ્યનાં જટિલ અવકાશ મિશનો માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
અવકાશના શૂન્ય ગુરૂત્વાકર્ષણ એટલે કે ઝીરો ગ્રેવિટી જેવા પડકારજનક વાતાવરણનો પૃથ્વી પર અહેસાસ કરવા માટે પાણીની અંદરનો ભાગ સૌથી શ્રેષ્ઠ માધ્યમ ગણાય છે. પાણીમાં રહેતી વખતે સર્જાતી ‘ન્યુટ્રલ બ્યુઅન્સી’ની સ્થિતિ અવકાશયાત્રીઓને સ્પેસવોક જેવો જ આબેહૂબ અનુભવ કરાવે છે.
આ પ્રોજેક્ટ અંગે વિગત આપતા ‘આકા સ્પેસ’ના ફાઉન્ડર આસ્થા ઝાલાએ જણાવ્યું હતું કે, `અમારો ઉદ્દેશ્ય એક એવું વાતાવરણ તૈયાર કરવાનો છે જે અવકાશયાત્રીઓને પૃથ્વી પર જ સ્પેસ મિશન જેવો જટિલ અનુભવ કરાવી શકે. આ હેબિટેટ માત્ર ટ્રેનિંગ માટે જ નહીં, પરંતુ માનસિક અને શારીરિક ક્ષમતાઓના પરીક્ષણ માટે પણ મહત્વનું કેન્દ્ર બનશે.’
આ અંડરવોટર હેબિટેટમાં સંશોધકો અને અવકાશયાત્રીઓને લાંબા સમય સુધી મર્યાદિત અને બંધ જગ્યામાં રાખવામાં આવશે, જેથી સ્પેસ મિશન દરમિયાન તેમનાં શરીર અને માનસિક સ્વાસ્થ્ય પર થતી અસરો, જેમ કે અનિદ્રા, એકલતા અને માનસિક તણાવનો ઝીણવટભર્યો અભ્યાસ કરી શકાશે.
આ ઉપરાંત, ભવિષ્યનાં ચંદ્ર અને મંગળ મિશનો માટે ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક લાઈફ સપોર્ટ સિસ્ટમ્સ અને બાયોમેડિકલ સાધનોનું પરીક્ષણ પણ આ જ પ્રયોગશાળામાં કરવામાં આવશે.
સ્વિમિંગપુલથી લઈને દરિયા સુધીનો રોડમેપ
કંપનીનાં પ્લાન અનુસાર આ પ્રોજેક્ટ અલગ-અલગ તબક્કામાં પૂરો કરવામાં આવશે. આ વર્ષનાં અંત સુધીમાં આ મહત્વાકાંક્ષી પ્રોગ્રામના પ્રથમ તબક્કાની શરૂઆત થવાની સંભાવના છે. પ્રાથમિક તબક્કે સુરક્ષાનાં તમામ માપદંડોને ધ્યાનમાં રાખીને ખુલ્લા સમુદ્રને બદલે એક સંપૂર્ણ નિયંત્રિત વોટર એન્વાયરમેન્ટ એટલે કે આશરે 10 મીટરની ઊંડાઈ ધરાવતા ખાસ કસ્ટમાઇઝ્ડ સ્વિમિંગપૂલમાં આ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.
ત્યારબાદ, પ્રોજેક્ટના બીજા તબક્કામાં વર્ષ 2027 સુધીમાં આ સબ-મરીન હેબિટેટને સમુદ્રનાં વાસ્તવિક વાતાવરણમાં ઉતારવામાં આવશે, જ્યાં તેને દરિયાની સપાટીથી 20 મીટરની ઊંડાઈએ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
અત્યાર સુધી ભારતીય અવકાશયાત્રીઓને આવી અદ્યતન ટ્રેનિંગ માટે રશિયાની યુરી ગાગારિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટર કે અમેરિકાની નાસા જેવી સંસ્થાઓ પર નિર્ભર રહેવું પડતું હતું.
પરંતુ ભારતમાં જ આ પ્રકારની સ્વદેશી ટેકનોલોજી અને અંડરવોટર ફેસિલીટી સફળતાપૂર્વક તૈયાર થયા બાદ ભારત અવકાશ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આત્મનિર્ભરતા તરફ એક બહુ મોટું ઐતિહાસિક કદમ માંડશે.

