Gandhinagar, તા.20
મધ્ય પૂર્વના યુધ્ધને કારણે પેટ્રોલીયમ સહિતના મોરચે સજા4ય રહેલા સંકટને પવલે એલર્ટ બનેલી સરકાર દ્વારા વહિવટી કરકસર શરૂ કરવામાં આવી છે. નાગરિકોને વિદેશ પ્રવાસથી માંડીને સોનાની ખરીદીથી દુર રહેવા સહિતના સૂચનોની સાથોસાથ નેતાઓ-અધિકારીઓને બીન જરૂરી ખર્ચ રોકવા કહેવાયું છે. કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ અધિકારીઓ-કર્મચારીઓ માટે માર્ગદર્શિકા જારી કરીને બીજા જીલ્લાના પ્રવાસ ટાળવા સહિતની સુચનાઓ આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત સરકારે સરકારી કચેરીઓને ઈંધણ બચાવવા આદેશ કર્યો છે. જે અંગે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી કચેરીઓ માટે એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
આ નવા નિયમો અંતર્ગત સરકારી અધિકારીઓ માટે અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ અને જિલ્લા બહારની મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકાયો છે, તેમજ બેઠકો માટે વીડિયો કોન્ફરન્સિંગ અને ઓનલાઈન માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.
ઈંધણની બચત માટે એકથી વધુ ચાર્જ સંભાળતા અધિકારીઓએ વધારાના વાહનો ‘સરકારી વાહન પુલ’માં જમા કરાવવા પડશે અને ઉપલબ્ધ હોય ત્યાં ઈલેક્ટ્રિક વાહનો કે જાહેર પરિવહનનો જ આગ્રહ રાખવો પડશે.
આ ઉપરાંત, તમામ સરકારી કેન્ટીનોમાં આગામી 6 મહિનામાં પીએનજી કનેક્ટિવિટી ફરજિયાત કરવા અને ખરીદીમાં સ્વદેશી તેમજ સ્થાનિક ખજખઊત ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગઃ સરકારી કામકાજ માટે પ્રવાસો ટાળી ટેલિફોન, મોબાઈલ, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. ક્ષેત્રીય અધિકારીઓને મિટિંગ માટે બોલાવવાને બદલે ‘ઓનલાઈન માધ્યમ’ને પ્રાધાન્ય આપવું.
વિદેશ પ્રવાસ પર પ્રતિબંધઃ અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ કરવો નહીં અને વિદેશમાં યોજાતી તાલીમ, પરિસંવાદો, અભ્યાસ પ્રવાસો કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું.
રાજ્ય/કેન્દ્રની બેઠકોઃ અન્ય રાજ્ય કે કેન્દ્રમાં યોજાતી બેઠકોમાં ઓનલાઈન માધ્યમથી જોડાવા પ્રયત્ન કરવો. જો પ્રવાસ અનિવાર્ય હોય, તો ઉચ્ચ અધિકારીઓએ અત્યંત જરૂરી હોય તે સિવાય હાથ નીચેના સ્ટાફને સાથે ન રાખવો.
જિલ્લા બહારની મુસાફરીઃ શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવી અને જો જરૂરી હોય તો મુસાફરી કરતા પહેલાં નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી ફરજિયાત છે.
વધારાના વાહનો જમા કરાવવાઃ ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરી વધારાના વાહનો બિનવપરાશમાં મૂકવા. જે અધિકારી એકથી વધુ વધારાનો હવાલો સંભાળતા હોય, તેમણે એક મુખ્ય વાહન સિવાયના અન્ય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે ‘સરકારી વાહન પુલ’માં જમા કરાવવાના રહેશે.
જાહેર પરિવહનનો ઉપયોગઃ પર્યાવરણ અને ઈંધણની બચત માટે અધિકારીઓ/કર્મચારીઓએ વ્યક્તિગત ખાનગી વાહનો ટાળીને મેટ્રો, એસ.ટી. બસ, રેલવે વગેરે જેવી જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવો.
સાદગીપૂર્ણ કાર્યક્રમોઃ વિવિધ વિભાગોના કાર્યક્રમો સાદગીપૂર્ણ રીતે આયોજિત કરવા અને લોકાર્પણના કાર્યક્રમો પ્રત્યક્ષ કરવાને બદલે વર્ચ્યુઅલ (ઓનલાઈન) પદ્ધતિથી કરવા આગ્રહ રાખવો.
આ સૂચનાઓનો તમામ સરકારી વિભાગો, ખાતાના વડાઓ, જાહેર સાહસો, બોર્ડ-નિગમો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારી યુનિવર્સિટીઓએ ચૂસ્તપણે અમલ કરવાનો રહેશે.

