Gandhinagar,તા.20
ગુજરાતમાં ગત તા.28 એપ્રિલના સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ જાહેર થયા પછી હવે ત્રણ સપ્તાહ જેવો સમય ગયો હજુ ભાજપ તેના સુકાનીઓ નિશ્ચિત કરી શકી નથી.
તેવું જ સરકારના શિક્ષણ વિભાગમાં રાજયના લાખો વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના મહત્વના પડાવ ધો.10-12ની પરીક્ષા લેવાઈ અને તા.4 તથા 6 જૂનના પરિણામ જાહેર થઈ ગયા પણ હજું સુધી ધો.12ના 7.5 લાખ અને ધો.10ના 9 લાખ વિદ્યાર્થીઓને માર્કશીટ આપી શકાઈ નથી જેના કારણે વિદ્યાર્થીઓ તથા આગળના અભ્યાસ માટે જે શિક્ષણ સંસ્થાઓ છે તે તમામ એડમીશન પ્રક્રિયામાં બધું `પ્રોવિઝનલ’- કામચલાવ નીતિ અપનાવી કયારે ઓરીજનલ માર્કશીટ આવે તેની રાહ જોઈ રહ્યા છે.
આ પ્રકારનો વિલંબ અસહ્ય અને અસ્વીકાર્ય છે. વાસ્તવમાં પરિણામ સાથે જ ડિજીટલ માર્કશીટ તૈયાર જ હોય છે. ફકત તેના પ્રિન્ટીંગના પ્રશ્ન છે. ભૂતકાળમાં 3-4 દિવસમાં માર્કશીટ મળી જતી હતી.
બચાવ એવો છે કે ભૂતકાળમાં બોર્ડના હોલાગ્રામ સાથે માર્કશીટ મળતી હતી. હવે આ વર્ષથી વધુ સુરક્ષીત રીતે માર્કશીટને કયુઆર કોડ સાથે અપાશે. આ નિર્ણય જો કે રાતોરાત થયો નથી. અગાઉ જ સરકારે જાહેર કર્યુ હતું. હવે એવો બચાવ કરાય છે કે એક એજન્સી માર્કશીટ છાપે છે.
બીજી તેમાં કયુઆર કોડ- ઈમ્પોઝ કરે છે અને ત્રીજી તેને લેમીનેટ કરે છે. હવે સરકારે અગાઉથી આ એજન્સીઓ નકકી કરી પણ જયારે ખરેખર માર્કશીટની આ પ્રક્રિયા કરવામાં આવી તો ખબર પડી કે ગુજરાતની એજન્સીઓ પાસે તેવી મશીનરી નથી. તેથી હવે છેક હૈદરાબાદની એજન્સીને આ કામ અપાયુ અને હવે માર્કશીટ તો પ્રીન્ટ થઈ ગઈ છે પણ બાકીની પ્રક્રિયા બાકી છે.
હવે આજથી માર્કશીટ ડીસ્પેચનું કામ શરૂ થશે અને તા.23ના વિદ્યાર્થીને મળશે. આ અંગે પરિક્ષા બોર્ડના ચેરમેન એમ.એ.પંડયા સ્વીકારે છે કે મોડુ થયુ છે પણ બસ થોડા જ દિવસનું મોડુ થયુ છે. હવે તા.23ના ખરેખર મળે છે કે કેમ તેના પર વિદ્યાર્થીઓની નજર છે.

