New Delhi,તા.20
વૉટ્સએપ એક એવા નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે મેસેજ વંચાઈ ગયા પછી તેને આપોઆપ ડિલીટ કરી દેશે. “આફ્ટર રીડિંગ” નામનું આ નવું અપડેટ હાલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસના પસંદગીના બીટા યુઝર્સ દ્વારા ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. મેટા કંપની પોતાના પ્લેટફોર્મ પર યુઝર્સની પ્રાઇવસી વધારવા અને તેમને ચેટિંગ પર વધુ નિયંત્રણ આપવા માટે જે મોટા પાયે પ્રયાસો કરી રહી છે, આ નવું ફીચર તેનો જ એક ભાગ છે. આ ફીચર એક રીતે જોવા જઈએ તો સ્નેપચેટમાં જે રીતે કામ કરે છે એ જ રીતે કામ કરશે.
જો સામેવાળી વ્યક્તિ મેસેજ ખોલશે જ નહીં, તો તે 24 કલાકના સમયગાળા પછી આપોઆપ ડિલીટ થઈ જશે. આ ફીચર સામાન્ય ‘ડિસેપિયરિંગ મેસેજીસ’કરતાં અલગ છે, કારણ કે તેમાં મેસેજ મોકલતાની સાથે જ ટાઈમર શરૂ થઈ જતું હોય છે, જ્યારે આમાં વાંચ્યા પછી શરૂ થશે.
મેટા તરફથી પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવેલું આ એકમાત્ર અપડેટ નથી. કંપનીએ તેના AI આસિસ્ટન્ટ માટે ‘ઇનકોગ્નિટો ચેટ’ ફીચરની પણ જાહેરાત કરી છે. આ ફીચર એક એવું અસ્થાયી ચેટ સ્પેસ બનાવશે જ્યાં યુઝર્સ તેમની ચેટ હિસ્ટ્રી સેવ કર્યા વિના ખાનગીમાં વાતચીત કરી શકશે. પૈસા, નોકરી, સંબંધો કે સ્વાસ્થ્ય જેવી અંગત બાબતોની ચર્ચા માટે આ ફીચર ખાસ ઉપયોગી સાબિત થશે.
આ ઇનકોગ્નિટો ચેટ મેટાની “પ્રાઇવેટ પ્રોસેસિંગ” ટેક્નોલોજી પર કામ કરે છે, જે AI વિનંતીઓને કંપનીના મુખ્ય સર્વરથી દૂર એક સુરક્ષિત અને અલગ વાતાવરણમાં રાખે છે. આનાથી ફાયદો એ થશે કે જ્યારે યુઝર્સની વાતચીત પ્રોસેસ થઈ રહી હશે, ત્યારે મેટા કે વૉટ્સએપ પોતે પણ જોઈ શકશે નહીં કે યુઝર્સ શું વાત કરી રહ્યા છે. આગામી મહિનાઓમાં આ ફીચર વૉટ્સએપ અને ‘મેટા AI’ એપ પર તબક્કાવાર રીતે રોલઆઉટ કરવામાં આવશે.

