New Delhi,તા.25
છેલ્લી એક સદીમાં ભારતનું સરેરાશ તાપમાન માત્ર 0.7 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. પરંતુ આ આંકડો એક મોટા ખતરાની શરૂઆત તરફ ઈશારો કરે છે. વૈજ્ઞાનિક અંદાજો અને અંદાજિત અહેવાલો મુજબ, આ સદીના અંત સુધીમાં (વર્ષ 2100 સુધીમાં) સમગ્ર ભારતમાં ઉનાળા દરમિયાન આવતા હીટવેવની આવૃત્તિમાં 300 થી 400 ટકાનો આંચકાજનક વધારો થઈ શકે છે.
આનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે, આગામી સમયમાં ગરમ દિવસોની સરખામણીએ ગરમ રાતો એટલે કે રાત્રિનાં ઉંચા તાપમાનનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જશે.
જો ગરમીથી બચવા માટે અત્યારથી જ પૂરતા અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ગરમીનાં કારણે થતી બીમારીઓ જેવી કે ચામડી પર બળતરા (રેશેસ), સ્નાયુઓ ખેંચાવા (ક્રેમ્પ્સ) થી લઈને જીવલેણ હીટસ્ટ્રોક જેવી સમસ્યાઓ સામાન્ય બની જશે અને લોકોનું સ્વાસ્થ્ય ગંભીર જોખમમાં મુકાશે.
રોજગારી અને અર્થતંત્ર પર મોટો પ્રહાર
તીવ્ર ગરમીની માત્ર સ્વાસ્થ્ય પર જ નહીં, પરંતુ દેશનાં અર્થતંત્ર પર પણ અત્યંત ગંભીર અસર પડી રહી છે. મેડિકલ જર્નલ ‘દ લેસેટ’માં પ્રકાશિત થયેલાં વર્ષ 2024 ના એક અભ્યાસ અનુસાર, અતિશય ગરમીનાં કારણે ભારતમાં કામકાજના કલાકો ગુમાવવાનું પ્રમાણ વર્ષ 1990 થી 1999 ના ગાળાની સરખામણીએ હવે 124 ટકા જેટલું વધી ગયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ રીતે ગુમાવવામાં આવતા કામનાં કલાકોમાંથી આશરે 66 ટકા જેટલું મોટું નુકસાન માત્ર ખેતીવાડી ક્ષેત્રમાં થઈ રહ્યું છે.
194 અબજ ડોલરનું વાર્ષિક નુકસાન
હીટવેવના કારણે શ્રમિકો અને કામદારોની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે, જેના પરિણામે દેશને દર વર્ષે આશરે 194 અબજ ડોલર આશરે 16 લાખ કરોડથી વધુની વાર્ષિક આવકનું નુકસાન થઈ રહ્યું છે.
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ક્લાઈમેટ ચેન્જના કારણે વધી રહેલી ગરમી હવે માત્ર પર્યાવરણનો વિષય નથી રહી, પરંતુ તે ભારત માટે એક ગંભીર આર્થિક અને સામાજિક કટોકટી બની રહી છે.

