રોંગ સાઇડમાં આવેલી ઇકો ગાડીએ મોપેડ સવાર ત્રણ મિત્રોને કચડ્યા, એકનું મોત અને બે ગંભીર
Bhavnagar તા.૩૦
Bhavnagarના ઘોઘા તાલુકાના ભુતેશ્વર ગામમાં એક વર્ષ જૂના હત્યાના કેસનો બદલો લેવા માટે ફિલ્મી ઢબે અકસ્માત સર્જીને એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં હત્યાના કેસના આરોપી સાથે જઈ રહેલા તેના નિર્દોષ મિત્રનું મોત નીપજ્યું છે, જ્યારે આરોપી સહિત અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.ભુતેશ્વર ગામના વતની હાર્દિક કંટારીયા અને તેમનો મિત્ર સુનિલ ભૂતકાળમાં ગામના જ પિયુષ કંટારીયાના હત્યા કેસમાં જેલમાં બંધ હતા. જેમાં આરોપી હાર્દિક હાલ જામીન પર મુક્ત છે, જ્યારે સુનિલ હજુ પણ જેલમાં જ છે.
ગત રોજ સુનિલને પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આથી હાર્દિક તેના મિત્ર શાંતિ કંટારીયા અને રોનક કંટારીયા સાથે મોપેડ પર તેને મળવા માટે હોસ્પિટલ ગયો હતો. ત્યાંથી ત્રણેય મિત્રો એક મોલમાં ગયા હતા અને ત્યારબાદ સાંજે ચારેક વાગ્યે મોપેડ પર પરત પોતાના ઘરે જવા નીકળ્યા હતા.ત્રણેય મિત્રો જ્યારે અવાણીયા પીટીયાથી પીપળીયા પુલ વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી મૃતક પિયુષના ભાઈ હસમુખ ઉર્ફે શીશો કંટારીયાએ બદલાની ભાવનાથી પોતાની ઇકો ગાડી રોંગ સાઇડમાં ફૂલ સ્પીડે ચલાવીને મોપેડ સાથે ધડાકાભેર ભટકાવી દીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો ગાડી મોપેડ સહિત ત્રણેય મિત્રોને રોડ પર આશરે ૧૦૦ ફૂટ સુધી ઢસડી ગઈ હતી. આ જીવલેણ અકસ્માત સર્જીને આરોપી હસમુખ પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ ભયાનક અકસ્માતમાં શાંતિ કંટારીયાને મોઢા તેમજ શરીરના ભાગે અત્યંત ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

