સરખેજમાં રહેતા ૩૭ વર્ષીય વેપારીએ અજાણ્યા નંબર પરથી આવેલી લિંક ખોલતા જ ફોન અપડેટ થયો હતો
Ahmedabad તા.૩૦
અમદાવાદ શહેર પોલીસ કે સાયબર ક્રાઇમ દ્વારા Cyber fraud ગુના આચરતી અનેક મોટી ગેંગ કે આરોપીઓની ધરપકડ કરી આ નેટવર્ક તોડી પાડ્યું હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ હજુય સાયબર ક્રાઇમ કરનાર ગઠિયાઓ ખૂણે ખૂણે સક્રિય હોવાથી અનેક પ્રકારની Cyber fraud ના કિસ્સા બની રહ્યા છે. આ પ્રકારના બનાવો બનતા સાયબર ક્રાઇમ અને શહેર પોલીસના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે અને ગઠિયાઓ લોકોની મતા લૂંટીને બિન્ધાસ્ત બની ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સાયબર ળોડની અનેક ફરિયાદો નોંધાઇ છે. જેમાં ગઠિયાઓએ ફોન વેચાણ, હોસ્પિટલની મદદના બહાને અને ફોન હેક કરીને સાયબર ઠગાઇ આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ પ્રકારની વિવિધ પોલીસ ફરિયાદો નોંધાતા પોલીસે હવે ટેકનિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરી છે. આ પ્રકારના બનાવોમાં લોકલ લેવલે ગઠિયાઓ Cyber fraud આચરતા હોવાથી પોલીસે તપાસ શરૂ કરી છે. મૂળ સુરેન્દ્રનગરનો ૨૧ વર્ષીય યુવક આનંદનગરમાં રહે છે અને આઇટી કંપનીમાં નોકરી કરે છે. ગત તા.૧૩ મેના રોજ તેણે ઇન્સ્ટાગ્રામ પર રીલ જોઇ હતી. જેમાં આઇફોન ૧૧ ૧૦,૫૦૦માં વેચાણની જાહેરાત હોવાથી તેણે આપેલા નંબર પર મેસેજ કર્યો હતો. સામેવાળા શખ્સે આઇફોન સ્ટોરમાંથી બોલતો હોવાનું કહીને કંપનીમાં રજિસ્ટ્રેશન, ફોન બુકિંગ અને બાકીના નાણાં એમ કુલ ૧૦,૫૦૦ મેળવી લીધા હતા. જોકે, બાદમાં યુવકને ઠગાઇની થયાનું જણાતા તેણે સાયબર હેલ્પલાઇનમાં જાણ કરીને હવે આનંદનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સોલામાં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધનો મિત્ર નૈરોબી ખાતે રહે છે.
વૃદ્ધને તેના મિત્રના નંબર પરથી પૈસાની મદદ માટે મેસેજ આવતા તેમણે સ્કેનર સ્કેન કરીને ૩૦ હજાર મોકલ્યા હતા. જે બાદ ફરી પૈસાની માંગણી કરતા વૃદ્ધે મિત્રને ફોન કર્યો હતો. વૃદ્ધનો મિત્ર સ્ટોર માલિક હતો પણ ગઠિયાએ ફોન કટ કરીને જોબ પર હોવાનું કહેતા વૃદ્ધને શંકા ગઇ હતી. આમ, ગઠિયાઓએ વોટ્સએપ હેક કરીને અનેક લોકો પાસે નાણાં માંગ્યા હોવાનું સામે આવતા વૃદ્ધે બોડકદેવ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણનગરમાં રહેતો ૩૪ વર્ષીય યુવક જ્વેલરી શોપ ધરાવે છે. ગત તા.૯ એપ્રિલે એક વ્યક્તિએ ફોન કરીને તમારા ગુરૂદેવ જીન બોધી મહારાજે નંબર આપ્યો હોવાનું કહીને પોતાનું નામ મેહુલ જણાવ્યું હતું. આ શખ્સે તેના પિતા ઇનકમટેક્ષ ઓફિસર હતા અને પડી જવાના કારણે બ્રેઇન હેમરેજ થયું હોવાથી ઝાયડસમાં સારવાર ચાલી રહી હોવાની વાત કરી હતી.
બાદમાં હોસ્પિટલમાં કેશ નહિ પણ માત્ર ઓનલાઇન પેમેન્ટ લેતા હોવાનું કહીને ૨૦ હજાર માંગ્યા હતા. વેપારીએ નાણાં આપ્યા બાદ ગઠિયાએ વડોદરાથી પ્લેટલેટ્સ મંગાવવાના હોવાનું કહીને ૧૦ હજાર મેળવ્યા હતા. જે બાદ પિતાને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનું કહીને નાણાં માંગતા વેપારીને શંકા જતા તેમણે ખાડિયા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરખેજમાં રહેતા ૩૭ વર્ષીય વેપારીએ અજાણ્યા નંબર પરથી આવેલી લિંક ખોલતા જ ફોન અપડેટ થયો હતો. બાદમાં તેમના ગુગલ પેમાંથી ૫૯,૯૮૦નું ટ્રાન્ઝેક્શન થયું હતું. આમ, ગઠિયાઓએ ફોન હેક કરીને નાણાં સેરવી લીધાનું ધ્યાને આવતા સરખેજ પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

