જે ઘરમાં મંગળ ગીતો ગૂંજવાના હતા, ત્યાં દીકરીની અર્થી ઉઠતા વિસ્તારમાં ગમગીની , કારણ અકબંધ
(હરપલસિંહ જાડેજા દ્વારા)
Rajkot, તા,02
Rajkot શહેરના મવડી ચોકડી વિસ્તારમાં આગામી ૨૧મી તારીખે જે દીકરીના ધામધૂમથી લગ્ન લેવાયા હતા અને ગઈકાલે જ ઘરમાં જેની કંકોતરીઓ લખાઈ રહી હતી, તે યુવતીએ અકળ કારણોસર ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. આ આઘાતજનક બનાવથી લગ્નની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મવડી ચોકડી પાસે જલારામ સોસાયટી-૧ માં રહેતા આરતીબેન રમણીકભાઈ પરમાર (ઉં.વ. ૨૭) એ ગઈકાલે રાત્રે ૭:૩૦ વાગ્યે પોતાના ઘરે હતા, ત્યારે તેમણે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા. દવાની પેટમાં અસર કરી જતાં ગભરાયેલી આરતીએ તુરંત પોતાના ભાઈ અભિને ફોન કર્યો હતો અને પોતે ઝેરી દવા ખાઈ લીધી હોવાની વાત કરી હતી. બહેનનો ફોન આવતા જ ભાઈ અને પરિવારજનો દ્વારા ગંભીર હાલતમાં આરતીબેનને તુરંત જ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમિયાન જ આરતીબેને દમ તોડી દીધો હતો. આ બનાવની જાણ થતાં જ હોસ્પિટલ ચોકીના સ્ટાફે સંબંધિત પોલીસ મથકને જાણ કરી હતી.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, આગામી ૨૧મી તારીખે આરતીબેનના લગ્ન લેવાયા હતા. જૂનાગઢના બિલખા ગામેથી તેમની જાન આવવાની નક્કી થઈ હતી. પરિવારજનો ભેગા મળીને હોંશે-હોંશે સગા-સંબંધીઓને આપવા માટે લગ્નની કંકોતરીઓ લખી રહ્યા હતા. જે ઘરમાં થોડા દિવસો પછી મંગળ ગીતો ગૂંજવાના હતા, ત્યાં દીકરીની અર્થી ઉઠતા આખા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. આરતીબેને ક્યા કારણોસર આ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરતીબેનના પિતા રમણીકભાઈ અને ભાઈ અભિભાઈ પંચરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક આરતીબેન બે બહેન અને એક ભાઈમાં સૌથી મોટા હતા.

