તેઓએ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે બે વર્ષમાં મંજૂર કરેલા પ્રોજેક્ટ સ્થગિત કર્યા છે.
Rajkot,તા.૨
રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લ પદ પર બિરાજમાન થતા જ વિવાદમાં આવ્યા છે. તેઓએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષમાં શરૂ થયેલા કામોની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. તેઓએ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે બે વર્ષમાં મંજૂર કરેલા પ્રોજેક્ટ સ્થગિત કર્યા છે. ગુજરાતમાં આવું પહેલીવાર જોવા મળ્યું કે, ભાજપના જ સત્તાધીશોએ મંજૂર કરેલા કામ ભાજપના નવા મેયર કેન્સલ કર્યા હોય. ત્યારે શું અગાઉના ભાજપના સત્તાધીશોના કામમાં ગરબડ ગોટાળા છે? ગુજરાતની ૧૫ મહાનગરપાલિકામાં નવી બોડી રચાયા બાદ નેહલ શુક્લ પહેલા એવા છે જેમણે અગાઉના કામ પર સવાલ ઉઠાવ્યા છે. આવો નિર્ણય લેતા તેઓ વિવાદમા આવી ગયા છે.
રાજકોટનું રાજકારણ જોઈ ક્યારેય પ્રદેશ ભાજપ કાર્યાલય પણ ગોઠે ચઢી જતું હોય છે. આવામાં ભાજપ જેને ટિકિટ પણ આપવા ઈચ્છતુ ન હતું, તે નેહલ શુક્લ ટિકિટ મેળવી કોર્પોરેટર તો બન્યા જ, પણ મેયરની ખુરશી સુધી પણ પહોંચ્યા. આવામાં મેયર બન્યાના પહેલા જ સપ્તાહમાં તેઓ પોતાના નિર્ણયને કારણે વિવાદમાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્લ એક્શન મોડમા આવતા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેઓએ બેઠકમાં મનપાના અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે, હવે આવું નહીં ચાલે.
પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે બે વર્ષમાં મંજૂર કરેલા પ્રોજેક્ટ સ્થગિત કર્યા છે. જે કામનું પ્રોગ્રેસ ૨૦% પણ થયું નથી તેવા કામો સ્થગિત કર્યા છે. આ કામોનો અભ્યાસ કર્યા બાદ આવતા વર્ષે ફરીથી શરૂ કરવામાં આવશે. ધીમી ગતિએ ચાલતા કામો તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, એક્શન મોડમાં આવતા જ મનપા મેયરે દાવ લેવાનું શરૂ કર્યું કે. તેઓએ જાહેરાત કરી કે, અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર દ્વારા મનપાને કોઈ નુકસાન કરાવ્યું હશે તો અધિકારીઓ સામે પગલાં લેવાશે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ભાજપમાં પહેલા આંતરિક જુથવાદને પગલે કોર્પોરેશનની ચૂંટણીમાં નેહલ શુક્લનું નામ કપાયું હતું. પરંતું છેલ્લી ઘડીએ નેહલ શુક્લની એન્ટ્રી થઈ હતી. નેહલ શુક્લ પર રૂપાણી પરિવારના ચાર હાથ છે. તેઓ મેયરની જાહેરાત બાદ સ્વ.વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેઓ અંજલિ રૂપાણીના આર્શીવાદ લીધા હતા.
પોતાના આ નિર્ણય મામલે નેહલ શુક્લાએ વાતચીતમાં કરકસરના પગલાં રૂપ નિર્ણય લીધો હોય તેવો દાવો કર્યો. જો કે ભાજપની જ ગત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયની સમીક્ષા પર રાજકીય વિવાદ પર પણ નેહલ શુક્લાએ પોતાના નિર્ણય પર અડગ રહેલા જોવા મળ્યા. તેઓએ કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકાની કચેરીના પેટ્રોલ ડીઝલના બિલોમાં ૭૦% સુધીનો ઘટાડો કરવામાં આવશે. પ્રધાનમંત્રીના કરકસરના પગલાના ભાગરૂપે મહાનગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે.
બીજી તરફ, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ શહેર પ્રમુખ માધવ દવે સાથે ટીમ રાજકોટ આજે ગાંધીનગરમાં પહોંચી હતી. કોબા કમલમ કાર્યાલય માં નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી. મંત્રીમંડળના સદસ્યો અને મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરશે. રાજકોટ ભાજપ શહેર પ્રમુખ માધવ દવે નવા નિમાયેલા મેયર નેહલ શુક્લાએ લીધેલા નિર્ણયને ખુલ્લો ટેકો આપ્યો છે.
રાજકોટ મહાપાલિકાના ૨૩માં મેયર તરીકે વોર્ડ નં.૭ના કોર્પોરેટર ડૉ.નેહલભાઈ શુક્લની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નં. ૯ના નગરસેવિકા દક્ષાબેન વસાણીની નિયુક્તિ કરવામાંઆવી હતી. મહત્વપૂર્ણ એવી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નં.૬ ના કોર્પોરેટર પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા પદે વોર્ડ નં. ૧૪ના કોર્પોરેટર ડૉ.હિરેન ખીમાણીયા અને પક્ષના દંડક પદે વોર્ડ નં. ૧૮ ના કોર્પોરેટર સંજયસિંહ રાણાની નિયુક્તિ કરવામાં આવી હતી. નવ નિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવા માટે બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડયા હતા. પદાધિકારીઓએ રાજકોટની વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવા માટે ટીમ વર્ક સાથે કામ કરવાનો કોલ આપ્યો છે.

