ચાંદીકામ કરતા હિતેશભાઈએ ઘરે જ અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું
(હરપલસિંહ જાડેજા દ્વારા)
Rajkot, તા,02
Rajkot શહેરના પેડક રોડ પર ચાંદીકામ સાથે સંકળાયેલા ૫૩ વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે જ ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પેડક રોડ પર આવેલા બોમ્બે સુપર હાઇટ્સ-૧ માં રહેતા હિતેશભાઈ નાનજીભાઈ ગજેરા (ઉં.વ. ૫૩) એ ગઈકાલે પોતાના ઘરે કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દોડી આવ્યા હતા અને તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
જો કે, તબીબોના અથાગ પ્રયત્નો છતાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક હિતેશભાઈ ચાંદીકામની મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. તેમના સંતાનમાં એકમાત્ર દીકરો છે, જેણે આજે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. બનાવને લઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવ અંગે ખાનગી હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હિતેશભાઈએ આ આત્મઘાતી પગલું આર્થિક સંકળામણ, બીમારી કે અન્ય કોઈ ઘરેલું કારણોસર ભર્યું છે, તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

