Patna, તા.3
બિહારની રાજધાની પટનાના મુસલ્લાહપુર હાટ નજીક દેશના પ્રખ્યાત શિક્ષક ‘ખાન સર’ની પ્રતિષ્ઠિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની બહાર અસામાજિક તત્વો દ્વારા ભારે પથ્થરમારો અને અનેક રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ હિંસક ઘટના દરમિયાન ‘ખાન ક્લાસ’ના એક સુરક્ષા ગાર્ડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓને પોતાનો જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ વિવાદ ‘ખાન ક્લાસ’ અને નજીકમાં જ આવેલી ‘જ્ઞાન બિંદુ’ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ વચ્ચે શરૂ થયો હતો. જોતજોતામાં આ આંતરિક વિવાદ એટલો વધી ગયો કે બંને પક્ષ તરફથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કેટલાક બહારના અસામાજિક તત્વો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
આ હંગામાની વચ્ચે જ કેટલાક તોફાની તત્વોએ હવામાં અને ઇમારત તરફ ધડાધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોરોએ આટલેથી ન અટકતા કોચિંગ સેન્ટરની બહાર લાગેલા ખાન ક્લાસના બેનરો પણ ફાડી નાખ્યા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા પટનાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કોચિંગ ક્લાસીસની ધંધાકીય હરિફાઇમાં હુમલો થયાનો આક્ષેપ છે.

