સ્વાન સાથેનું સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ૬ શખ્સોએ માર માર્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ
મોતનું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો
Rajkot તા.૫
રાજકોટ જીલ્લાના ગ્રામ્ય પંથકમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક અત્યંત ચકચારી અને વિકૃત ગુનાખોરીની ઘટના સામે આવી છે. રાજકોટના સરધાર ગામના બાળપર ગામે આવેલી વાડીએ ૫૦ વર્ષીય પ્રૌઢનું બેભાન હાલતમાં અને રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાત લાગતી આ ઘટના પાછળ મિત્રતાના ઓઠા હેઠળ ખેલાયેલું બ્લેકમેલિંગ, શારીરિક-માનસિક અત્યાચાર અને વિકૃત માનસિકતાનું એક ભયાનક ષડયંત્ર હોવાના ચોંકાવનારા આક્ષેપો મૃતકના પરિવારે લગાવ્યા છે. મોતનું સાચું કારણ જાણવા મૃતદેહનું ફોરન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ તાલુકાના હોડથલી ગામે રહેતા હરિભાઈ રાજાભાઈ જાદવ(ઉં ૫૦) ગતરોજ બાઈક લઈને બાજુના બાળપર ગામે ગયા હતા, જ્યાંથી મોડી રાત્રે પરત ફર્યા બાદ તેઓ વાડીએ એકલા હતા. મોડી સાંજ સુધી પિતા ઘરે ન આવતા રાત્રિના આશરે ૧૦૦૦ વાગ્યાના અરસામાં તેમના પુત્રો મયુરભાઈ તથા શૈલેષભાઈ વાડીએ ગયા હતા જ્યાં હરિભાઈ ખાટલા પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનોએ તુરંત જ તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તબીબોએ જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
પરિવારના જણાવ્યા અનુસાર મૃતકના ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી આવી હતી, મૃતકે સુસાઈડ નોટમાં આક્ષેપ કર્યો છે કે, બાળપરનો નરેશ સોઢા અને હરિપરનો રાવજી ગોબર ચાવડા નામના શખ્સો સહિત અન્ય ૪ અજ્ઞાત બુકાનીધારી (મોઢે રૂમાલ બાંધેલા) શખ્સો સાથે મળીને છેલ્લા બે વર્ષથી તેમનું શારીરિક શોષણ કરતા હતા. આરોપીઓ રાત્રિના સમયે ખેતરમાં આવી પ્રૌઢને નગ્ન કરી માર મારતા હતા અને કૂતરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું ઘૃણાસ્પદ કૃત્ય કરવા મજબૂર કરતા હતા. ગંભીર ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરતા સુસાઈડ નોટમાં વધુમાં ઉલ્લેખ છે કે, આરોપીઓએ પ્રૌઢના આ વિકૃત કૃત્યોના મોબાઈલ ફોનમાં વીડિયો શૂટ કરી લીધા હતા. આ અશ્લીલ અને આપત્તિજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને આરોપીઓએ મૃતક પાસેથી ૨૦,૦૦૦ રૂપિયા પણ પડાવી લીધા હતા. સુસાઈડ નોટમાં હરિભાઈએ અત્યંત લાચારી વ્યક્ત કરતા લખ્યું છે કે, ‘‘હું આવું ગંદું અને અમાનુષી દુઃખ સમાજને કે પરિવારને કહી શકું તેમ નથી, આ નરાધમોના ત્રાસથી કંટાળીને હું આપઘાત કરી રહ્યો છું.‘‘
મૃતકના પુત્ર મયુરે આક્ષેપ કર્યો છે કે, આરોપી તેના પિતા પાસેથી પૈસાની માંગણી કરતા હતા, તેને ફોન કરીને રાત્રીના સમયે વારંવાર વાડીએ બોલાવતા હતા અને તેને માર મારતા હતા. આપઘાતના થોડા જ કલાકો પહેલા મુખ્ય આરોપી નરેશ સોઢાએ તેના મોબાઈલ પર કોલ કર્યો હતો. ફોન પર આરોપીએ જણાવ્યું હતું કે, ‘‘હું તારા બાપ પાસે પૈસા માંગુ છું, તારા પિતાને પૂછી લેજે અને મારા પૈસા પાછા આપી દેજે.‘‘ આ ફોન કોલ બાદ મયુરે જ્યારે પિતા હરિભાઈને પૂછપરછ કરી, ત્યારે પિતાએ રડતા રડતા પોતાની સાથે થતા આ પિશાચી અત્યાચારની કાળી હકીકત જણાવી દીધી હતી અને ત્યારબાદ આ અંતિમ પગલું ભરી લીધું હતું. આરોપીઓ મૃતક પ્રૌઢના ખાસ મિત્રો હોવાનું પણ પરિવાર દ્વારા જાણવા મળ્યું છે. આશરે બે મહિના પહેલા પણ મૃતકે પોતાના પુત્રને આ બાબતે કહ્યું હતું, જેથી પુત્ર મયુરે નરેશ સોઢા પાસે જઈ ખુલાસો માંગ્યો હતો. જો કે, આરોપીએ તે સમયે સમગ્ર વાત નકારી કાઢી હતી.
પ્રૌઢના મોતના પગલે હોડથલી ગામ સહિત રાજકોટ ગ્રામ્યમાં ભારે રોષ અને ગમગીનીનો માહોલ છે. મૃતક હરિભાઈ પોતાના વયોવૃદ્ધ માતા-પિતાના એકના એક સંતાન હતા. તેઓ કાળી મજૂરી કરીને પોતાના બે પુત્રો અને ત્રણ દીકરીઓ સહિતના મોટા પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલમાં મોતનું સાચું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે, જેથી એ જાણી શકાય કે આ ઘટના આપઘાતની છે કે પછી કોઈ ષડયંત્રના ભાગરૂપે હત્યા કરવામાં આવી છે, તે તમામ દિશાઓમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

