ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલે એનપીપીએને પત્ર લખીને ભાવ વધારા માટે ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડરનાં પેરા 19 હેઠળ મંજૂરી આપી : સૂત્રો
New Delhi,તા.11
કેન્દ્રે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)ને કેન્સરની દવાઓ સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનનાં ભાવ વધારવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. બીજી તરફ આ દવાની અછતને કારણે સમગ્ર દેશની હોસ્પિટલોમાં સપ્લાયમાં અવરોધ ઉભો થયો છે.પ્રાઇસિંગ ઓથોરિટી આગામી બે દિવસમાં આ અંગે નિર્ણય લઇ શકે છે. ડીપીસીએનો પેરા 19 સરકાર અને એનપીપીએને અસામાન્ય પરિસ્થિતિમાં જનહિતમા કોઇ પણ દવાની મહત્તમ કીંમત કે રીટેલ કીંમત નક્કી કરવા કે તેમાં ફેરફાર કરવાનો વિશેષ અધિકાર આપે છે.
આ પગલું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની એ અપીલો પછી ભરવામાં આવ્યું છે જેમાં કેન્સરની આ બે દવાઓની કીંમતમાં એક વખત વધારો કરવાની માંગ કરી હતી. ઇન્ડસ્ટ્રીનો તર્ક છે તેનું ઉત્પાદન આર્થિક રીતે લાભપ્રદ રહ્યું નથી. ડીઓપીનાં સેક્રેટરી મનોજ જોશીએ ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે સરકાર જરૂરી દવાઓની કીંમતમાં એક સાથે વૃદ્ધિ કરવા પર વિચાર કરી રહી નથી પરંતુ તે કેટલાક એવા કેસોની તપાસ કરી રહી છે જેમાં ઉત્પાદન ખર્ચમાં ખૂબ જ મોટો વધારો થયો છે.
જોશીએ જણાવ્યું હતું કે ઉદાહરણ તરીકે કેન્સરની દવાઓમાં ઉપયોગમાં લેવાતા પ્લેટિનિયમની કીંમતમાં લગભગ ૨૫૦ ટકાનો વધારો થયો છે. આવા કેસો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ (ડીઓપી)એ એનપીપીએને પત્ર લખીને આ ભાવ વધારા માટે ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર (ડીપીસીઓ)નાં પેરા ૧૯ હેઠળ મંજૂરી આપી છે.

