સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નાની મોલડી ગામે હોટેલના પટમાંથી કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય આકરાપાણીએ
Harpalsinh Jadeja ,Rajkot,તા.13
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બે દિવસ પૂર્વે ચોટીલા પોલીસ મથક હેઠળ આવતા નાની મોલડી ગામ નજીક હોટેલના પટમાંથી કેમિકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ડીજીપી સ્કોડે દરોડો પાડી 8330 કિલોગ્રામ કેમિકલ સહીત રૂ.45.98 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી. વિજીલન્સની રેડને કારણે ફરજમાં બેદરકારી દાખવાનર ચોટીલા પીઆઈ, પીએસઆઈ સહીત ચાર પોલીસમેન વિરુદ્ધ આકરા પગલાં લેતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. દરોડાની વિગતો પર નજર કરવામાં આવે તો એસએમસી ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા નજીક આવેલા નાની મોલડી ગામ પાસે પવનપુત્ર રાજસ્થાની હોટલ પાછળ ખુલ્લા પટમાં થઈ રહેલી કેમિકલ ચોરીની પ્રવૃત્તિ પર દરોડો પાડયો હતો. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી બે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં ચુનીલાલ તુલસીરામ ગામેતી (રહે હાલ. નાની મોલડી તા. ચોટીલા મૂળ, રાજસ્થાન) અને આશિષકુમાર બદરીપ્રસાદ યાદવ (રહે ગાંધીધામ, કચ્છ)નો સમાવેશ થાય છે.
એસ.એમ.સી ટીમે દરોડા દરમિયાન રૂ. 10.81 લાખની કિંમતનું 8,330 કિલો કેમિકલ તથા કેમિકલ ચોરીની પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા બે વાહનો, રોકડ, મોબાઈલ પ્લાસ્ટિકના બેરલ સહિત કુલ રૂપિયા 45.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થતાં ફરજમાં બેદરકારી બદલ ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોટીલા પીઆઈ જે. એન. સોલંકી, ડી સ્ટાફ પીએસઆઈ બી. એન. ગળચર, કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ સુરૂભા પરમાર અને દિલીપભાઈ બહાદુરભાઈ માંજરીયાને ફરજ મોકૂફ કરી દેવાયા છે. પોલીસ વિભાગની આ કડક કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફરજમાં બેદરકારી, ગેરરીતિ કે ભ્રષ્ટાચારને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. હાલ સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

