નિર્માણાધીન મકાનની સાઈટ પરથી વાયર ઉઠાવી બાળીને કાલાવડ રોડ પર વેચવા જતાં તાલુકા પોલીસે દબોચી લીધો : મોજશોખ માટે હાથફેરો કર્યાની કેફીયત
Harpalsinh Jadeja ,Rajkot,તા.13
શહેરના જગન્નાથ પ્લોટમાં નિર્માણાધીન મકાનમાંથી રૂ.૧ લાખના વાયરની ચોરી કરનાર બેલડીને તાલુકા પોલીસે કાલાવડ રોડ પરથી ઝડપી લીધી છે. સગીર સહિતની બેલડી વાયર સળગાવી કોપર વેચવા માટે નીકળ્યા હતા અને પોલીસે ઝડપી લીધા હતાં. મોજશોખ પુરા કરવા ચોરી કર્યાની કબુલાત આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, વિમલનગર મેઈન રોડ શિવધામ સોસાયટી પુષ્કરધામ પાછળ વસંત માર્વેલ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી સંજયભાઈ શરદભાઈ કોટક દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, જગન્નાથ પ્લોટ શેરી નંબર 5 ગીરીરાજ હોસ્પિટલ પાછળ કાલાવડ રોડ ખાતે તેમના નવા મકાનનું બાંધકામ ચાલુ હોય જેમાં ઇલેક્ટ્રીક વાયરો લગાવેલા છે અને બોર્ડ લગાવવાના બાકી હોવાથી વાયરના છેડા બહાર રાખવામાં આવ્યા હતા. દરમિયાન રાત્રીના કોઈ શખસો વેપારીના મકાનમાં પ્રવેશી ઈલેક્ટ્રીક વાયરના છેડા ખેંચી વાયરો બહાર કાઢી કુલ રૂપિયા એક લાખની કિંમતના આ વાયરો ચોરી કરી ગયા હતા. જે અંગે વેપારીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘરફોડ ચોરીના ગુનામાં શકમંદ બે શખસો ઇલેકટ્રીક વાયરો વેચી બાળીને વેચવા માટે નીકળ્યા છે. જે હાલ કાલાવડ રોડ પર અંધ વૃધ્ધાશ્રમ સામે રોડ પર સ્પલેન્ડર બાઇમાં બે બાચકા સાથે ઉભા છે. જે બાતમીના આધારે પોલીસની ટીમ તાકીદે અહીં પહોંચી હતી. પોલીસે અહીં બે શંકાસ્પદ શખસોને ઝડપી લીધા હતાં.
પોલીસે બેલડીની પુછતાછ કરતા એક શખસનું નામ દેવરાજ વજાભાઇ ધોળકીયા(ઉ.વ. ૨૪ રહે. ઇન્દીરાનગર રૈયાધાર રામાપીર મંદિરની બાજુમાં) જયારે અન્ય શખસ સીગરવયનો હોવાનું માલુમ પડયુ હતું. બંન્ને શખસોએ નિર્માણાધીન મકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આ બેલડી પાસેથી બળેલા વાયર અને બાઇક સહિત રૂ. ૬૫,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ મોજશોખ પુરા કરવા ચોરી કરતા હોવાની કબુલાતા આપી હતી. બેલડી પૈકી સગીર અગાઉ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારમારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.

