પેકેજીંગ હબ નામનું સોશિયલ મીડિયામાં આઇડી બનાવી જીએસટી નંબરનો ઉપયોગ કરી ગ્રાહકો પાસે ઓર્ડર મેળવી એડવાન્સ પેમેન્ટ પડાવી લીધું
Harpalsinh Jadeja ,Rajkot,તા.13
શહેરના આનંદનગરમાં રહેતા અને મીરા ઉદ્યોગનગરમાં પેકેજીંગ બોક્સનો વ્યવસાય ધરાવતા વેપારીની પેઢી ‘પેકેજીંગ હબ’ના નામે અલગ અલગ ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી જીએસટી નંબરનો દુરુપયોગ કરી અનેક ગ્રાહકો સાથે છેતરપીંડી કરી વેપારીની ધંધાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે રાજકોટના આનંદ નગર મેઈન રોડ પર અમૃત પાર્ક શેરી નં.૦૧ માં રહેતાં હીતેશભાઈ છગનભાઈ કાકડીયા (ઉ.વ.૪૫) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલગ અલગ ઈન્સ્ટાગ્રામ આઈડી અને રાજકોટ નાગરિક બેંકના બેંક એકાઉન્ટ ધારક સહિતના અજાણ્યા શખ્સોના નામ આપતાં સાઇબર ક્રાઇમ પોલીસે આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ પેકેજીંગ હબના નામે મીરા ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝ, શેરી નં.૦૬, આજી નદીના પુલ પાસે છેલ્લા ચાર વર્ષથી પેકેજીંગ બોક્સનો વેપાર કરે છે. વર્ષ ૨૦૨૧ થી ધંધાની ઓનલાઇન જાહેરાત કરવા માટે ઇન્સ્ટાગ્રામ આઈડી ‘પેકેજીંગહબ1’ બનાવેલ છે.
પરંતુ છેલ્લા એકાદ વર્ષથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા આ ઇન્સ્ટાગ્રામ આઈડીને મળતા આવતા નામથી ખોટા ઇન્સ્ટાગ્રામ આઈડી એકાઉન્ટ બનાવી તેમાં ફરીયાદીનાં ધંધાના નામ પેકેજીંગ હબ ધંધાનો જીએસટી નંબર તથા ધંધાના સરનામાનો ઉપયોગ કરી લોકો સાથે ઓનલાઇન વ્યવહાર કરવામાં આવે છે. ગઈ તા.૦૬/૦૩ ના રોજ તેઓને એક ભોગ બનનાર વ્યક્તિનો ફોન આવેલ હતો. જેમણે રૂ.૨,૪૦૦ ના બોક્સ મંગાવેલ હતા અને તેઓએ મોકલેલ બિલ ઈનવોઇસમાં ધંધાના જીએસટી નંબર તથા સરનામાનો ઉપયોગ થયેલ હતો.
તેમજ અગાઉ પણ દિલ્લીના રહેવાસી ગુરપ્રીત કૌર, એક અન્ય વ્યક્તિ, નવસારીના રહેવાસી વૈભવ ચોપરા તથા સહારંપુર શહેરની આશના ગર્ગ સહિત અલગ અલગ વ્યક્તિઓ દ્વારા ફોન આવેલ હતા અને તેઓએ ઇન્સ્ટાગ્રામ આઈડીપેકેજીંગ_ઓલ_બોક્સ, રિયલ_પેકેજીંગ, યુનિક_પેકેજીંગમાં માલ ખરીદી કરી પેમેન્ટ કર્યા બાદ માલ સામાન ન મળતા મને સંપર્ક કર્યો હતો.
આ બાબતે ભોગ બનનાર મેહના ઇબ્રાહીમ સહિતના ભોગ બનનારાઓ દ્વારા સાયબર ક્રાઈમમાં અરજી કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. જેથી કોઈ અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઈડી ધારકો દ્વારા ફરીયાદીના ધંધાના નામ, જીએસટી નંબર તથા સરનામાનો દુરુપયોગ કરી ખોટા બિલ બનાવી લોકો પાસેથી ઓનલાઇન રૂપિયા મેળવી ધંધાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.ડી.ફુલતરિયા અને ટીમે તપાસ આદરી હતી.

